
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગિરિમથક સાપુતારામાં પ્રવાસન ને વેગ મળે તે માટે રાજ્યનાં પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કર્યુ છે.પરંતુ ફેસ્ટિવલમાં સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમોની બાદબાકી થતા ફેસ્ટિવલનો ફિયાસ્કો થવા પામ્યો છે.સાથો સાથ ગિરિમથકની શાન ગણાતા બોટિંગ , રોપવેની એક્ટિવિટી પણ કેટલાક સમયથી બંધ રહેતા હવે પ્રવાસીઓ માટે સાપુતારા માત્ર હવાખાવા પૂરતું જ સીમિત રહી ગયું હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા એક દાયકાથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી રહેતા સાપુતારાના વિકાસમાં બ્રેક લાગવાની સાથે અનેક સમસ્યાઓ ઉભી થવા પામી છે.સાપુતારામાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનેલ રોપવે તેમજ બોટિંગ પ્રવૃત્તિ હાલ કોઈ કારણોસર તંત્ર દ્વારા બંધ કરી દેવાઈ છે.ચોમાસાની ઋતુમાં સર્પગંગા તળાવ છલોછલ ભરાયેલ હોય પ્રવાસીઓને નૌકાવિહારનું યાદગાર સંભારણું બની રહે છે.તેમજ વાદળો વચ્ચે સંતાકૂકડી રમતા રોપવેની સવારી પણ યાદગાર બની જતી હોય છે.પરંતુ રાજ્યનું એકમાત્ર હિલસ્ટેશન હોવા છતાં તંત્ર દ્વારા પ્રવાસીઓની ભૌતિક સુવિધાઓ વધારવા કે આકર્ષવા માટે કોઈ પ્રયાસ ન કરાતા હાલ મોન્સૂન ફેસ્ટિવલ હોવા છતાં મોટાભાગની એક્ટિવિટીઓ બંધ હાલતમાં રહેતા પ્રવાસીઓમાં નારાજગી સાથે પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે.સાપુતારાના પ્રવાસે આવતા પ્રવાસીઓ ખાસકરીને ડાંગી સંસ્કૃતિને ઉજાગર કરતું ડાંગી નૃત્ય ,પાવરી નૃત્ય ,જોવા સાંભળવા માટે ઘણા આતુર હોય છે.ત્યારે હાલ સાપુતારાના મહત્વ ધરાવતા નૌકાવિહાર અને રોપ વે ઘણા સમયથી બંધ કરી દેવાતા પ્રવાસીઓમાં નારાજગી સાથે રોષ ફેલાઈ જવા પામ્યો છે.ત્યારે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારામાં બોટિંગ અને રોપવે જેવી મહત્વની એક્ટિવિટી બંધ હોય કરોડો રૂપિયાનો આંધણ કરી મોન્સૂન ફેસ્ટિવલ યોજી શું સાબિત કરવા માંગે છે તે સમજાતું નથી.સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું પ્રવાસન વિભાગ દ્વારા આડેધડ આયોજન કરતા પ્રવાસીઓને વાહન પાર્કિંગની પણ વ્યવસ્થા ન કરાતા આડેધડ વાહનોના ખડકલાથી દિવસભર ટ્રાફિક જામની સ્થતિ સર્જાતા ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.તેવા સંજોગોમાં રાજ્યનું પ્રવાસન વિભાગ અને સ્થાનિક તંત્ર સંકલન સાધી સાપુતારા ખાતે નૌકાવિહાર અને રોપવેની એક્ટિવિટી શરૂ કરાવે તે જરૂરી બની ગયુ છે.એકતરફ ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનો ફિયાસ્કો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ રોપવે અને બોટિંગ પ્રવૃત્તિ બંધ રહેતા ફરવા આવતા પ્રવાસીઓ હવાખાવાનાં સ્થળે માત્ર હવા ખાવા પૂરતા સીમિત બન્યા છે.ત્યારે રાજ્ય સરકારનું પ્રવાસન વિભાગ અને ડાંગ વહીવટી તંત્ર આળસ ખંખેરી પ્રવાસીઓનાં હિતમાં કામગીરી કરે તેવી માંગ ઉઠવા પામી છે..



