NATIONAL

ફેફસાં નબળા હોય તેવા લોકો તાત્કાલિક દિલ્હી છોડે : AIIMSના પૂર્વ ડિરેક્ટર

દિલ્હીની હવા હવે ઝેરી બની ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આ ‘મોતની ચાદર’ના કારણે દિલ્હીવાસીઓને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ડૉક્ટર્સનું કહેવું છે કે રાજધાનીની હવા એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે અહીં રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

AIIMSના પૂર્વ ડિરેક્ટર અને દેશના પ્રમુખ પલ્મોનોલોજિસ્ટ ડૉ. રણદીપ ગુલેરિયાએ એક મોટી ચેતવણી આપી છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે રાજધાનીમાં હાલમાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. હાલમાં દિલ્હીની હવાની ગુણવત્તા અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. જે લોકોના ફેફસાં નબળા હોય તેવા લોકોએ તાત્કાલિક દિલ્હી છોડી દેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ દિલ્હી છોડી ન શકે તો તેમણે પોતાની સુરક્ષા માટે સંપૂર્ણ સાવચેતી રાખવી જોઈએ, માસ્ક પહેરવું જોઈએ. ઘરોમાં એર ફિલ્ટરનો ઉપયોગ કરી શકાય છે.

ડૉ. ગુલેરિયાના મતે રાજધાનીમાં વધતું પ્રદૂષણ ‘ખામોશ મૃત્યુ’ આપી રહ્યું છે અને તે COVID-19 કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. હાલમાં પ્રદૂષણ માત્ર લોકોના ફેફસાંને જ અસર નથી કરી રહ્યું, પરંતુ તે લોહી સુધી પહોંચી ગયું છે અને શરીરને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. PM 2.5 જેવા સૂક્ષ્મ કણો માનવ રક્તમાં બળતરા વધારી રહ્યા છે, બ્લડ પ્રેશરમાં વધારો થઈ રહ્યો છે અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધારી રહ્યા છે.

તેમનું કહેવું છે કે દુઃખદ વાત એ છે કે જો કોઈ વ્યક્તિ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે તો પણ ડેથ સર્ટિફિકેટમાં એર પોલ્યૂશનને કારણ તરીકે સૂચિબદ્ધ કરવામાં નથી આવતું. પરંતુ સત્ય એ જ છે કે વર્તમાનમાં જેટલી પણ ગંભીર બીમારીઓ છે તેમાં પ્રદૂષણ એક નિર્ણાયક પરિબળ બની ગયું છે. પ્રદૂષણની અસરો માત્ર શરીર સુધી મર્યાદિત નથી, પરંતુ તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. લોકોમાં થાક, સુસ્તી અને મૂડ સ્વિંગની સમસ્યાઓ ઝડપથી વધી રહી છે.

Back to top button
error: Content is protected !!