NATIONAL

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલા ‘ઈક્વિટી રૂલ્સ 2026’ને લઈને વિરોધ

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ‘ઈક્વિટી રૂલ્સ 2026’ને લઈને સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે. એક તરફ અયોધ્યાના સંત સમાજે આને કાળો કાયદો ગણાવીને ઉગ્ર ચેતવણી આપી છે, તો બીજી તરફ રાજકીય મોરચે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. યુનિવર્સિટી કેમ્પસમાં સમાનતા લાવવાના નામે ભેદભાવ વધારવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દિલ્હીમાં યુજીસી કાર્યાલયની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરીને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો છે.

અયોધ્યાની તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગદગુરુ પરમહંસ આચાર્યએ આ નિયમો સામે અત્યંત આકરા તેવર અપનાવતા કેન્દ્ર સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે, ‘UGCનો આ કાળો કાયદો પાછો ખેંચો અથવા મને ઇચ્છા મૃત્યુની પરવાનગી આપો.’

શિવસેના યુબીટીના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ નવા કાયદાની ટીકા કરતાં કહ્યું છે કે, ‘જાતિગત ભેદભાવ સામે ગાઇડલાઇન્સ હોવી જોઈએ, પરંતુ જો ગાઇડલાઇન્સ ભેદભાવપૂર્ણ હશે તો કેમ્પસમાં અશાંતિ વધશે. તમે એક તરફ એવું વિચારો છો કે આ જ શોષણ કરનારા છે અને બીજી તરફ વાળા શોષિત છે. આ ખોટું છે. જો એસસી-એસટી-ઓબીસી વિરુદ્ધ 10 આવા કેસ થાય અને જનરલ કેટેગરી વિરુદ્ધ પણ કેટલાક કેસ થાય તો આવા કિસ્સામાં શું થશે? આખરે ભેદભાવ થયો છે કે નહીં, તે કેવી રીતે ખબર પડશે? જો કોઈ ખોટો કેસ કરે તો તેના પર શું કાર્યવાહી થશે? આ વિદ્યાર્થીના આખા કરિયરનો સવાલ છે, વડાપ્રધાન અને શિક્ષણ મંત્રીએ આ અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.’

દેશભરમાં વધી રહેલા તણાવ અને વિરોધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘હું એક વાત ખૂબ જ નમ્રતાપૂર્વક સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઈનું શોષણ થવા દેવામાં આવશે નહીં અને કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. ડિસ્ક્રિમિનેશનના નામે કોઈને પણ કાયદાનો દુરુપયોગ કરવાનો અધિકાર રહેશે નહીં, પછી તે યુજીસી હોય, ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, આ તેમની જવાબદારી રહેશે. હું આશ્વાસન આપું છું કે, જે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તે બંધારણના દાયરામાં જ હશે. આ વિષય સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની વ્યવસ્થા છે, તેથી કોઈની પણ સાથે ભેદભાવ કે અત્યાચાર કરવામાં આવશે નહીં તેવી હું અપીલ અને ખાતરી કરું છું.’

હાલમાં આ મુદ્દે દેશભરના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન તેજ બન્યા છે. ઉત્તર પ્રદેશમાં આ મુદ્દાની અસર રાજકીય રીતે પણ જોવા મળી રહી છે, જ્યાં ઘણા ભાજપ નેતાઓએ રાજીનામા આપ્યા છે અને એક પીસીએસ અધિકારીએ પણ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પ્રદર્શનકારીઓનું માનવું છે કે યુજીસીના આ નવા આદેશથી શૈક્ષણિક માહોલ બગડશે અને વિવિધ વર્ગો વચ્ચે અથડામણની સ્થિતિ પેદા થશે. દિલ્હીમાં યુજીસી ઑફિસ બહાર મોટી સંખ્યામાં યુવાઓ અને મુસ્લિમ તેમજ સવર્ણ સમાજના લોકો પણ આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત રાજપૂત કરણી સેનાના કાર્યકરોએ ઉગ્ર દેખાવો કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!