NATIONAL

યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ગુરુગ્રામની મુલાકાત લીધી હતી. સદ્ભાવના યાત્રામાં સામેલ થયા બાદ તેમણે જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ બેરોજગારી, ચૂંટણી પ્રક્રિયા અને કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે દેશનું ધન માત્ર ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહ્યું છે, જ્યારે દેશના યુવાનોને રોજગાર આપવાને બદલે સોશિયલ મીડિયાની જાળમાં ફસાવવામાં આવી રહ્યા છે.

જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “કેટલાક વર્ષો પહેલા મેં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ કરી હતી, જેમાં લાખો લોકો જોડાયા હતા. તે સમયે ‘નફરતના બજારમાં મોહબ્બતની દુકાન’નો નારો જનતામાંથી જ ઉભરી આવ્યો હતો.” તેમણે ઉમેર્યું કે આ માત્ર કોંગ્રેસનો નારો નથી, પરંતુ સમગ્ર દેશની ભાવના છે અને આજે પણ દેશને તેની ખૂબ જરૂર છે.

રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયામાં ગરબડ થતી હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, લાખો મતદારોના નામ કાઢી નાખવામાં આવે છે અને લાખો નવા નામ ઉમેરવામાં આવે છે. દેશની સંપત્તિઓ મોટા ઉદ્યોગપતિઓને સોંપવામાં આવી રહી છે. જનતાના નાણાં છીનવીને ગૌતમ અદાણી અને અંબાણીને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, “યુવાનો કોલેજોમાંથી ડિગ્રીઓ તો મેળવે છે, પરંતુ તેમને રોજગાર મળતો નથી. સરકારની નીતિઓને કારણે દેશમાં ચીનની વસ્તુઓ વેચાઈ રહી છે અને યુવાનોને કામ આપવાને બદલે તેમને ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત રાખવામાં આવી રહ્યા છે.”

રાહુલ ગાંધીના આગમન પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, રણદીપ સિંહ સુરજેવાલા, કુમારી શૈલજા, રાજ બબ્બર, ધારાસભ્ય મામન ખાન અને આફતાબ અહમદ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા આગામી સમયમાં હરિયાણા કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!