દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બીઆર ગવઈ પર શર્મજનક હુમલો
દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બીઆર ગવઈ પર આજે શર્મજનક હુમલો થયો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન સીજેઆઇ પર એક વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જૂતું ફેંકનારો શખસ 60 વર્ષીય વકીલ હતો. જેનું નામ રાકેશ કિશોર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વકીલની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ મામલે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બી આર ગવઇએ નિવેદન આપ્યું છે કે, મને આ પ્રકારના કૃત્યોથી કોઈ ફરક પડતો નથી.
શખ્સે ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર નિશાન સાધતા બેન્ચ તરફ જૂતું ફેંક્યું હતું. જે બેન્ચની આગળ જ પડ્યું હતું. જેથી ચીફ જસ્ટિસને કોઈ નુકસાન થયુ નથી. હુમલાખોર વકીલની ધરપકડ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ આ ઘટના બાદ પણ શાંત જ હતા અને તેમણે કેસની સુનાવણી ચાલુ રાખી હતી. તેમણે માત્ર એટલું કહ્યું કે, ‘હું એવો વ્યક્તિ છું, જેણે આ પ્રકારની ઘટનાનો સામનો કર્યો છે.’ ત્યારબાદ તેઓ ફરી કેસની સુનાવણી કરવા લાગ્યા હતાં. ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, હુમલો કરનારા વકીલે સૂત્રોચ્ચાર કર્યો હતો કે, ‘સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન.’
સૂત્રોચ્ચાર કરતાં શખસે બેન્ચ તરફ જૂતું ફેંક્યું હતું. જેવું જ આ કૃત્ય બન્યું, સુરક્ષા કર્મી હરકતમાં આવ્યા હતા. તેમણે તુરંત શખસની ધરપકડ કરી હતી. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. ઘટના સ્થળે હાજર અન્ય એક વકીલે જણાવ્યું હતું કે, ચીફ જસ્ટિસ આ કૃત્યથી બિલકુલ પણ હેરાન થયા નથી, તેઓએ પોતાની સામાન્ય કામગીરી ચાલુ રાખી. રાકેશ કિશોર પાસેથી એન્ટ્રી કાર્ડ મળી આવ્યું છે, જે વકીલો અને ક્લાર્કને આપવામાં આવે છે.