ખેતરોમાં પાણી ફરી વળતાં પાકને નુકસાનથી ખેડૂતોમાં રોષ,આગળના ગામોમાં પણ કેનાલમાંથી મળતું પાણી ઓછું થઇ ગયું
સમીર પટેલ, ભરૂચ
આમોદ તાલુકાના ભીમપુરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ભંગાણ પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, બે મહિના પહેલાં જ કેનાલનું રીપેરિંગ કરવામાં આવ્યું હતું પણ કોન્ટ્રાકટરે માત્ર માટી જ નાખી દીધી હોવાથી આ પ્રશ્ન ઉભો થયો છે. ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકામાં મોટાભાગના ખેડૂતો ખેતી માટે કેનાલના પાણી પર આધાર રાખે છે. કપાસ અને તુવેર જેવા પાક લેવા માટે મોંઘા ભાવના બિયારણ લાવી વાવેતર કરવામાં આવે છે અને આશા રાખે છે કે ખેતીના પાકમાં સારી આવક થશે. વરસાદ બંધ થતાં નવેમ્બર અને ડિસેમ્બરની અંદર નર્મદા નિગમની કેનાલના પાણી ઉપર થી ખેતીની સિંચાઈ માટે પાણી લેવામાં આવે છે અને તેનાથી પાક તૈયાર થતો હોય છે. ઠેર ઠેર કેનાલના ઠેકાણા નહિ હોવાથી ખેડૂતોને સિંચાઇના પાણીના વલખા પડી જતાં હોય છે. હાલ આમોદના ભીમપુરા ગામ પાસે કેનાલમાં ભંગાણ પડયું છે. બે મહિના પહેલાં જ કેનાલ રીપેર કરવામાં આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે કોન્ટ્રાકટરે માત્ર માટી જ નાખી હોવાથી સાયફન પાસેથી જ કેનાલ તૂટી ગઇ છે અને પાણી વહીને આસપાસના ખેતરોમાં ભરાઇ રહયું છે. સ્થાનિક ખેડૂતોએ આ મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલ જો રીપેર નહીં કરાય તો ખેડૂતો ને શિયાળુ પાકમાં ભારે નુકસાન થશે અને તેઓ પાયમાલ બની જશે. ભીમપુરા પાસેથી પસાર થતી નર્મદા નહેર નીગમ બ્રાન્ચ કેનાલ કે જે કેનાલનું પાણી સિંચાઈ માટે આમોદ, આછોદ વગેરે પંથક માટે જીવાદોરી સમાન છે ત્યારે કેનાલમાં સળંગ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે. વારંવારની રજૂઆતો છતાં નર્મદા નહેર નિગમ કોઇ પગલાં ભરતું નથી. સરકાર અમને વહેલી તકે રિપેરિંગ કરાવી આપે ભીમપુરા પાસે કેનાલ તૂટી જતાં ખેતરોમાં પાણી ભરાયાં છે. તકલાદી રીપેરિંગના લીધે આ ઘટના બની છે. વહેલી તકે કેનાલ રીપેર કરાવી આપવામાં આવે તેવી અમારી માગ છે.