એવી SIT બનાવો જેમાં હિન્દુ-મુસ્લિમ બંને અધિકારી હોય : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના અકોલામાં 2023માં થયેલા કોમી રમખાણો દરમિયાન કથિત હત્યા કેસની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના અધિકારીઓ હોવા જોઈએ. કોર્ટે કોમી રમખાણોના એક પ્રત્યક્ષદર્શીના નિવેદનની તપાસ ન કરવા બદલ પોલીસને પણ ઠપકો આપ્યો. આ ઉપરાંત કોર્ટે (11મી સપ્ટેમ્બર) ગુરુવારે કહ્યું કે, ‘જ્યારે પોલીસ અધિકારીઓ યુનિફોર્મ પહેરે છે, ત્યારે તેમણે પોતાના વ્યક્તિગત અને ધાર્મિક વલણ અને પૂર્વગ્રહો છોડી દેવા જોઈએ.’
અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને એક ખાસ તપાસ ટીમ બનાવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત રચાયેલી ખાસ તપાસ ટીમ 13મી મે 2023ના રોજ અકોલામાં થયેલા રમખાણો દરમિયાન મુસ્લિમ યુવક પર હુમલો અને ઓટો ડ્રાઈવરની હત્યા સંબંધિત આરોપોની તપાસ કરશે.
ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની બેન્ચ મોહમ્મદ અફઝલ મોહમ્મદ શરીફની અરજી પર સુનાવણી કરી રહી હતી. બેન્ચે કહ્યું કે, ‘જ્યારે અપીલકર્તા મોહમ્મદ અફઝલ મોહમ્મદ શરીફે દાવો કર્યો હતો કે તે ચાર હુમલાખોરોમાંથી એકને ઓળખી શકે છે, ત્યારે મોબાઇલ ફોન લોકેશન, કોલ ડેટા રેકોર્ડ વગેરે દ્વારા સંબંધિત સમયે ઓળખાયેલ વ્યક્તિનું સ્થાન શોધીને તે દાવાના સંબંધમાં વિગતવાર તપાસ જરૂરી છે.’
સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું કે, ‘જો મૃતકની ખરેખર એવી ધારણા હેઠળ હત્યા કરવામાં આવી હોય કે તે મુસ્લિમ સમુદાયનો છે અને હુમલાખોરો તે સમુદાયના નથી, તો આ એક એવી હકીકત છે જેની સંપૂર્ણ અને યોગ્ય તપાસ પછી ખાતરી થવી જોઈએ.’
મે 2023માં અકોલાના જૂના શહેરી વિસ્તારમાં પયગંબર મોહમ્મદ વિશેની એક ધાર્મિક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં વિલાસ મહાદેવરાવ ગાયકવાડ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને કેસમાં અરજદાર સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અરજદાર મોહમ્મદ અફઝલ મોહમ્મદ શરીફના જણાવ્યા અનુસાર, ચાર લોકોએ ગાયકવાડ પર તલવારો, લોખંડની પાઇપ અને અન્ય વસ્તુઓથી હુમલો કર્યો હતો.