ઈથેનોલ વિનાના પેટ્રોલ પણ વિકલ્પ મળે તેવી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

દેશભરમાં 20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20)નું વેચાણ બંધ કરવા કે ઈથેનોલ ફ્રી પેટ્રોલનું પણ વેચાણ કરવાની જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે આ અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે, ‘આ મુદ્દે હસ્તક્ષેપની કોઈ જરૂર નથી.’
આ અરજીમાં કહેવાયું હતું કે, દેશના કરોડો વાહન ચાલકોને એવા ફ્યૂલનો ઉપયોગ કરવા માટે મજબૂર કરાઈ રહ્યા છે, જે તેમના વાહનના એન્જિન માટે છે જ નહીં. અમે ઈથેનોલ ધરાવતું પેટ્રોલ હટાવવાની માંગ નથી કરતા, પરંતુ ગ્રાહકોને ઈથેનોલ વિનાના પેટ્રોલ પણ વિકલ્પ મળે તેવી માગ કરીએ છીએ.
આ અરજીમાં તમામ પેટ્રોલ પંપ પર ઈથેનોલ મુક્ત પેટ્રોલ મળી શકે એવી વ્યવસ્થા કરવાનો, ઈથેનોલ યુક્ત પેટ્રોલના સ્પષ્ટ લેબલ, ગ્રાહકોને વાહનની ફ્યૂલ કોમ્પેટિબિલિટીની માહિતી આપવાની તેમજ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ યોગ્ય એડવાઈઝરી જાહેર કરવાની માગ પણ કરાઈ હતી. જો કે, આ અરજી ફગાવતા એટર્ની જનરલ આર. વેંકટરમાનીએ કહ્યું હતું કે, ‘ઇથેનોલ બ્લેન્ડિંગથી શેરડીના ખેડૂતોને ઘણો લાભ થયો છે. તેથી આ માગ યોગ્ય નથી.’
ભારત સરકાર પેટ્રોલમાં 20 ટકા સુધી ઈથેનોલ ઉમેરે છે. આનાથી શેરડીની ખેતી કરતા ખેડૂતોને ફાયદો થાય છે અને તેમની શેરડી વધુ કિંમતે વેચાય છે. જો કે, ઈથેનોલવાળું પેટ્રોલ વાહનોના માઇલેજને અસર કરે છે. અહેવાલો અનુસાર, પેટ્રોલમાં ઈથેનોલ ઉમેરવાથી વાહનોનું માઈલેજ ઓછું થાય છે અને ઘણાં વાહનોમાં પણ સમસ્યા ઊભી થાય છે. જોકે, સરકારે આ અહેવાલોને નકારી કાઢ્યા છે.



