ભાજપના મહિલા મંત્રીએ 1000 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો મામલો સામે આવ્યો
મધ્યપ્રદેશના ભાજપના મહિલા મંત્રીએ 1000 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ભાજપના મહિલા મંત્રીનું નામ સંપતિયા ઉઈકે છે અને તેઓ જાહેર આરોગ્ય ઇજનેરી (PHE) વિભાગમાં ફરજ નિભાવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, કાંડ સામે આવ્યા બાદ તેની તપાસ પીએઇ વિભાગના જ એન્જિનિયર-ઇન-ચીફ સંજય અંધવાનને સોંપાઈ છે. પોતાના બચાવમાં મહિલા મંત્રીએ કહ્યું કે, ‘જે લોકો તપાસ કરાવવા ઇચ્છે છે, તેઓ તપાસ કરી શકે છે. મને તેનાથી કોઈ વાંધો નથી.’
રાજધાની ભોપાલમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ભાજપ મહિલા મંત્રી ઉઈકે (PHE Minister Sampatiya Uikey) કહ્યું કે, ‘હું સંપૂર્ણ નિર્દોષ છું. મારી સામે કોઈપણ તપાસ કરી શકો છો. મને કોઈપણ તપાસથી વાંધો નથી. હું એક આદિવાસી મહિલા છું, ગરીબ-શ્રમિક વર્ગથી આવી છું અને પ્રજાની સેવા કરી રહી છું. મુખ્યમંત્રી બધું જાણે છે. મને જે હેરાનગતિનો થઈ રહી છે, તે તદ્દન ખોટી છે. અમારી સરકાર ભ્રષ્ટાચારમુક્ત છે. જો કોઈના વિરુદ્ધ ફરિયાદ થાય છે, તો તેની તપાસ કરવામાં આવે છે. હું કેબિનેટમાં જઈ રહી છું અને આ મામલે મુખ્યમંત્રી સાથે વાત કરીશ. તેઓ જાણે છે કે, હું કોણ છું અને કેવી છું. અમારું સંગઠન પણ મને જાણે છે. હું ટૂંક સમયમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી તમામ પ્રશ્નોનો જવાબ આપીશ.’
વાસ્તવમાં પૂર્વ ધારાસભ્ય કિશોર સમરીતે (Kishore Samrite) વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ને પત્ર લખ્યો છે. તેમણે 12 એપ્રિલે મોકલેલા પત્રમાં ભાજપ મહિલા મંત્રી પર ગંભીર આક્ષેપ કર્યા છે. સમરીતે ફરિયાદમાં દાવો કર્યો છે કે, ‘સંપતિયા ઉઈકે જળ જીવન મિશનમાંથી 1000 કરોડ રૂપિયાનું કમિશન લીધું છે. આ સાથે તેમણે તત્કાલીન પ્રમુખ અભિયંતા બીકે સોનગરિયા અને તેમના એકાઉન્ટન્ટ મહેન્દ્ર ખરે પર કરોડો રૂપિયાની ઘૂસણખોરીનો આક્ષેપ કર્યો છે.
આરોપો બાદ જાહેર આરોગ્ય ઇજનેરી વિભાગે પ્રેસ જાહેર કરીને સમરીતેના તમામ આક્ષેપોને પાયાવિહોણા અને બનાવટી ગણાવ્યા છે. વિભાગે સ્પષ્ટ કહ્યું કે, ‘ફરિયાદીએ આક્ષેપ કર્યા છે, પરંતુ તેઓ નક્કર પુરાવા અથવા દસ્તાવેજો આપી શક્યા નથી.’ વિભાગે ફરિયાદને કાલ્પનિક અને તથ્યહીન ગણાવ્યા છે. એકતરફ વિભાગે તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા છે, તો બીજીતરફ ભાજપ મહિલા મંત્રી પર લાગેલા આક્ષેપોની તપાસ કરવા માટે વિભાગના જ મુખ્ય ઇજનેરને તપાસ સોંપવામાં આવી છે. આ તપાસ વડાપ્રધાન કાર્યાલય દ્વારા માંગવામાં આવેલ રિપોર્ટનો જવાબ આપવાની કાર્યવાહીનો એક ભાગ છે.