‘પતિનું પત્ની સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કે દુષ્કર્મ ગુનો ન ગણાય’ : હાઈકોર્ટે

છત્તીસગઢ હાઈકોર્ટે બળાત્કાર અને અન્ય આરોપોમાં દોષિત ઠેરવવામાં આવેલા જગદલપુરના શખ્સને નિર્દોષ જાહેર કરતી વખતે એવો ચુકાદો આપ્યો કે કોઈ પુરુષ તેની પુખ્ત વયની પત્ની સાથે તેની મંજૂરી વગર પણ અકુદરતી કૃત્ય સહિત જાતીય સંભોગ કરે તો તે ગુનો ગણાતો નથી. જસ્ટિસ નરેન્દ્ર કુમાર વ્યાસે આવો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ નરેન્દ્ર કુમારે કહ્યું કે જો પત્નીની ઉંમર 15 વર્ષથી ઓછી ન હોય તો પતિ દ્વારા તેની પત્ની સાથે કરવામાં આવેલા કોઈપણ જાતીય સંભોગ અથવા જાતીય કૃત્યને બળાત્કાર ગણી શકાય નહીં કારણ કે અકુદરતી કૃત્ય માટે પત્નીની સંમતિનો અભાવ તેનું મહત્વ ગુમાવે છે.
છત્તીસગઢના બસ્તારના જગદલપુરના રહેવાસી આ વ્યક્તિની 11 ડિસેમ્બર, 2017 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેની પર પત્નીએ એવો આરોપ મૂક્યો હતો કે તેના પતિએ તેની સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કર્યું હતું તેને કારણે તે બીમાર પડી હતી, ઉલ્લેખનીય છે કે પાછળથી આ મહિલાનું મોત થયું હતું. પત્નીના સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામતા પહેલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલા નિવેદનના આધારે તેને પકડવામાં આવ્યો હતો. 11 ડિસેમ્બર, 2017, મહિલાએ દુખાવાની ફરિયાદ કરી અને તેના પરિવારના સભ્યોને જણાવ્યું કે તેના પતિએ તેની ઇચ્છા વિરુદ્ધ તેની સાથે અકુદરતી સેક્સ કર્યું છે. પીડિતાનું મૃત્યુનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યું હતું જેમાં તેણીએ નિવેદન આપ્યું હતું કે તેના પતિ દ્વારા “બળજબરીથી જાતીય સંભોગ” કરવાને કારણે તે બીમાર પડી હતી. 11 ફેબ્રુઆરી, 2019 ના રોજ, જગદલપુર ખાતેના એડિશનલ સેશન્સ જજ (ફાસ્ટ ટ્રેક કોર્ટ અથવા FTC) એ તે વ્યક્તિને દોષિત ઠેરવ્યો અને તેને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી. આરોપીએ પોતાની સજાને હાઈકોર્ટમાં પડકારી હતી અને હાઈકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.
કોર્ટે એવું પણ કહ્યું હતું કે ભારતમાં મેરિટલ રેપને આધારે કોઈની સામે કેસ થઈ શકતો નથી. હાઈકોર્ટે આ ચુકાદો આપતી વખતે આઈપીસીની કલમ 375ની કલમ 2ને ટાકી હતી જે પતિને તેની પત્ની સાથે દુષ્કર્મના ગુના સામે રક્ષણ આપે છે.



