ભારતીય મહિલા ટીમે લહેરાવ્યો પરચમ! નેપાળને હરાવીને બની ખો ખો વર્લ્ડ ચેમ્પિયન
ભારતીય મહિલાએ ખો ખોની રમતમાં પરચમ લહેરાવી દીધો છે. પ્રિયંકા ઈંગલેની આગેવાનીવાળી મહિલા ટીમ ખો ખોની ફાઈનલમાં નેપાળને 78-40ને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ખો ખો વર્લ્ડ કપની ફાઈનલ દિલ્હીના ઈન્ડોર સ્ટેડિયમમાં રમાઈ હતી.
ખો ખો વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં શરુઆતથી ભારતે પકડ જમાવી હતી. નેપાળના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ ડિફેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો જે તેને માટે ઘાતક સાબિત થયો અને ભારતે પહેલાં જ પ્રયાસમાં 34 પોઈન્ટ મેળવ્યા હતા. બીજા વળાંકમાં બચાવ કરવા આવેલી ટીમ ઈન્ડિયાના ડિફેન્ડર્સે નેપાળના હુમલાખોરોને ખૂબ દોડાવી દીધા હતા. આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ પણ 1 પોઈન્ટ મેળવ્યો હતો. ચોથા વળાંકમાં પણ ભારતીય ખેલાડીઓએ નેપાળના હુમલાખોરોને હાવી થવા દીધા ન હતા. આવું કરીને ભારતે જીત પાક્કી કરી નાખી હતી. છેલ્લા રાઉન્ડમાં ભારતે 78-40 થી જીત મેળવીને વિશ્વમાં તિરંગો લહેરાવી દીધો હતો.
સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. સતત 6 મેચ જીતીને, ભારતે ખો ખો વર્લ્ડ કપ 2025ની ટ્રોફી જીતી. ભારતે 4 મેચમાં 100થી વધુ પોઈન્ટ બનાવ્યા. આ સિવાય તેણે સાઉથ કોરિયા સામે 175 પોઈન્ટ બનાવીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ભારતે ખો ખોની ફાઈનલ પહેલી વાર જીતી છે.