NATIONAL

‘સદનમાં માઇક બંધ કરાયું, ભાજપે બોલવા ન દીધો’, રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારને કર્યા સવાલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતાનો મુદ્દો સંસદમાં ઉઠાવતા ભાજપ સરકાર અને કેન્દ્રીય ગૃહમંત્રી પર ગંભીર આક્ષેપો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, જ્યારે તેમણે ગૃહમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર અને આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓનું નામ લીધું, ત્યારે ભાજપે તેમને બોલવા દીધા નહોતા, અને તેમનું માઇક બંધ કરી દેવામાં આવ્યું હતું. જે વાતો તેમને સંસદની અંદર બોલવા દેવામાં આવી નથી, તે તમામ બાબતોને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવાની ફરજ પડી હતી.

લોકસભામાં બોલવાની મંજૂરી ન મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજીને સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે થયેલી બર્બરતાનો મુદ્દો સંસદમાં ઉઠાવવો એ તેમનો અધિકાર હતો, પરંતુ ગૃહમાં તેમનો અવાજ દબાવી દેવામાં આવ્યો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મેં વિદ્યાર્થીઓ સાથે થયેલી બર્બરતા અંગે 25 જુલાઈના રોજ ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. ઘટના અંગે ગૃહમંત્રીને સતત બ્રિફિંગ પણ આપવામાં આવી રહ્યું હતું. શું એઈમ્સ(AIIMS)નું મેડિકલ સર્ટિફિકેટ કોઈએ જોયું છે? જ્યારે અમે સંસદમાં આ સંબંધિત સવાલો ઊભા કર્યા, ત્યારે અમારો અવાજ દબાવી દેવામાં આવ્યો.’

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘પ્રેસ કોન્ફરન્સ એ મારું મુખ્ય પ્લેટફોર્મ નથી, લોકસભા મારું પ્લેટફોર્મ છે. પરંતુ મને લોકસભામાં બોલવા ન દેવાયો, તેથી મારે દેશ સમક્ષ સત્ય લાવવા માટે આ પત્રકાર પરિષદ યોજવી પડી છે.’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પહેલા ભારતીય જનતા પાર્ટીએ પત્રકાર પરિષદ યોજીને તેમના તમામ આરોપો પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર સંસદમાં જૂઠ્ઠાણું ફેલાવવાનો અને માત્ર સનસની ફેલાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીનું નામ વટાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ‘દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કોઈ ગોળીઓ ચલાવવામાં આવી નથી, અને ન તો કોઈએ આવો આદેશ આપ્યો હતો. રાહુલ ગાંધી જૂઠનો પ્રચાર કરી રહ્યા છે.’ કટાક્ષ કરતાં ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધીની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી ક્યારેય વિદેશ ભાગી જતા નથી.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા, સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર વિદ્યાર્થીઓનું અપમાન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની ત્રણ કેટેગરી બતાવીને દેશના યુવાનોનું અપમાન કર્યું છે. વિદ્યાર્થીઓ કોઈ ‘ઈડિયટ’ કે ‘અંધભક્ત’ નથી.’

Back to top button
error: Content is protected !!