NATIONAL

ક્લાઈમેટ ચેન્જની તીવ્ર અસર અમરનાથ યાત્રા શરૂ થયાના પાંચ જ દિવસમાં શિવલિંગ સંપૂર્ણ પીગળી ગયું !!!

અમરનાથ યાત્રા ૩જી જુલાઈથી શરૂ થઈ હતી અને ૪થી જુલાઈથી શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. યાત્રા શરૂ થઈ તેના પાંચ-છ દિવસમાં જ શિવલિંગ સંપૂર્ણ પીગળી ગયું છે. ઘણાં શ્રદ્ધાળુઓ દાવો કરે છે કે એક ફૂટનું શિવલિંગ છે, પરંતુ ઘણાં ભક્તો કહે છે કે તેઓ માત્ર ગુફાના દર્શન કરીને આવ્યા. જમ્મુ-કાશ્મીર સરકારે પણ શિવલિંગ પીગળી જવાની વાતને સમર્થન આપીને કહ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જની તીવ્ર અસર થઈ છે એટલે આ સ્થિતિ સર્જાઈ છે.

અમરનાથ યાત્રાની શરૂઆત થઈ તે વખતે જ શિવલિંગ નાનું હતું એવી ચર્ચા થઈ હતી. જોકે, ત્યારે કોઈએ કલ્પના કરી ન હતી કે બાબા બર્ફાની માત્ર એક સપ્તાહમાં જ અંતર્ધ્યાન થઈ જશે. એક સપ્તાહ પછી હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે શ્રદ્ધાળુઓ માત્ર ગુફાના દર્શન કરીને આવે છે. શિવલિંગ પીગળી ગયું છે. ચાર દિવસ પછી જ શિવલિંગ 80 ટકા પીગળી ગયું હતું. હવે ગુફામાં માત્ર શિવલિંગનો અંશ દેખાય ન દેખાય એવી સ્થિતિ થઈ છે. અમરનાથ યાત્રા ૫૭ દિવસ ચાલવાની છે. યાત્રા પહેલાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એક દિવસમાં 10 હજારથી વધારે યાત્રાળુ દર્શન ન કરે તે સુનિશ્વિત થવું જોઈએ.

અગાઉ પણ શિવલિંગ વહેલું પીગળી જતું હોવાની ફરિયાદ ઉઠી હતી. પહેલાં દુર્ગમ પહાડીઓ સુધી બહુ ઓછા શ્રદ્ધાળુઓ પહોંચતા હતા એટલે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા ન હતા. હવે વાહન-વ્યવહાર સરળ બન્યો હોવાથી દરરોજ હજારો ભક્તો દર્શન કરે છે. ગયા વર્ષે પહલગામમાં હુમલો થયો એટલે યાત્રા થઈ શકી ન હતી. આ વર્ષે યાત્રા શરૂ થઈ કે માત્ર ચાર દિવસમાં જ 93 હજાર લોકો પહોંચી ગયા હતા. પહલગામથી ૪૮ કિલોમીટરનો રસ્તો છે. ત્યાંથી બલતાલ સુધીનો રસ્તો થોડો સરળ છે. હવે માત્ર 14 કિલોમીટરનો રસ્તો જ દુર્ગમ અને મુશ્કેલ છે.

ધારણાં કરતાં વધારે લોકો બાબા બર્ફાનીની ગુફા સુધી પહોંચી જાય છે. મીડિયા અહેવાલોમાં તો ત્યાં સુધી દાવા થયા કે દિવસમાં 25થી 30 હજાર લોકો દર્શન કરે છે. સુપ્રીમ કોર્ટે ૧૦ હજારની મર્યાદાની ભલામણ કરી હતી. જમ્મુ-કાશ્મીર સરકારે કહ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જની અસર અને ગુફાની આસપાસ વધતી માનવીય ગતિવિધિના કારણે ગુફા પર અસર થાય છે.

આ વર્ષે તો ઠંડી પણ ખૂબ ઓછી પડી રહી છે. સામાન્ય રીતે આ સીઝનમાં પણ પહલગામ અને તેની આસપાસમાં ગરમ કપડાં પહેરવા પડે છે, પરંતુ આ વર્ષે દેશના મેદાની પ્રદેશો જેવું જ વાતાવરણ અહીં પણ અનુભવાઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે શિવલિંગ આટલા દિવસમાં જ પીગળી જાય તે ગંભીર બાબત છે. આ આપણાં હાથની વાત નથી. ભગવાનની કૃપા પર આધાર રાખે છે, છતાં ક્લાઈમેટ ચેન્જ એ બહુ જ મહત્ત્વનો મુદ્દો છે.

Back to top button
error: Content is protected !!