વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૧૯ ઓગસ્ટ : અદાણી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ભાવિ તબીબોના ચિકિત્સા અને નિદાનાત્મનક કૌશલ્યના વિકાસને નવી દિશા આપવા સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ એવી આધુનિક કક્ષાની સુયોગ કૌશલ્ય પ્રયોગશાળા (સ્કિલ લેબ)વિધિવત ખુલ્લી મૂકવામાં આવતા છાત્રો, પ્રાધ્યાપકોએ આનંદ વ્યકત કર્યો હતો.અદાણી હેલ્થકેરના હેડ ડૉ.પંકજ દોશીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ લેબનો શુભારંભ થયો હતો.
મેડિકલ કોલેજમાં સ્કીલ લેબ એક એવું પ્લેટફોર્મ છે,જ્યાં મેડિકલ વિધાર્થીઓ વાસ્તવિક દર્દીઓને સારવાર આપે તે પહેલાં વિભિન્ન ચિકિત્સા પ્રણાલી અને નિદાન પ્રક્રિયામાંથી પસાર થાય તેમજ મેડિકલનું વ્યવહારિક જ્ઞાન અનુભવ પણ પ્રાપ્ત થાય.
મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ કોલેજની સ્કીલ લેબમાં વિધાર્થીઓને ટ્રોમા મેનેજમેન્ટ,બેઝિક લાઇફ સપોર્ટ,બાળરોગ ઇમરજન્સી,સ્ત્રીરોગ ઇમરજન્સી, એક્યૂટ કાર્ડિયાક મેનેજમેન્ટ,તેમજ જન.વોર્ડ, ICUઇમરજન્સી,સર્જીકલ અને માતા તથા બાળ કલ્યાણ વિભાગ વિગેરે વિભાગોથી હેલ્થકેર વડાને ઑનલાઇન વાકેફ કર્યા હતા.આ પ્રસંગે ચીફ મેડિ.સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણી અને આસિ.ડીન ડો.અજીત ખીલનાની સાથે રહ્યા હતા.
ડો.પંકજ દોશીએ મેડિકલ છાત્રો માટે મહત્વાકાંક્ષી પુરવાર થનાર સ્કિલ લેબનું નિરીક્ષણ કર્યા બાદ ગેઈમ્સના પ્રોફેસર્સ,ડોક્ટર્સ અને સ્ટાફને ઉદબોધન કરતા સુંદર પ્રયોગશાળાના નિર્માણ બદલ તમામ યોગદાન આપનારને અભિનંદન આપતા જણાવ્યું કે, નવી સ્કિલ લેબ મેડિકલ વિધાર્થીઓ માટે નવું જ સીમાચિહ્ન બનશે.
આ લેબને આધુનિક અને છાત્રોપયોગી બનાવવા પ્રોફે.ડો.પારસ પારેખ,ડો.સંકેત પટેલ,ડો.મંદાકિની ઠક્કર,આયુષી ગોર અને મેલિટા લોબોની ગઠિત કમિટીએ જહેમત લીધી હતી. આ ઉદઘાટન પ્રસંગે એડિશનલ મેડિ. સુપ્રિ.ડો.વિવેક પટેલ જુદા જુદા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, ફેકલ્ટી મેમ્બર્સ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ લેબને સ્કિલ અપગ્રેડિંગ યાર્ન ઓફ ગેઈમ્સ સાથે જોડી સુયોગ સ્કિલ લેબ નામકરણ કરવામાં આવ્યું છે.