ઓટીપી વગર મતદાર યાદીમાં ઓનલાઇન ફેરફાર નહીં થાય, ચૂંટણી પંચે નવું ઇ-વેરિફિકેશન ફીચર લોંચ કર્યું
નવી દિલ્હી : મતદાર યાદીમાંથી નામ કાપી નાખવાના આરોપો વચ્ચે ચૂંટણી પંચે નવો રસ્તો શોધ્યો છે. આ ફેરફારો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આરોપો બાદ કરવામાં આવ્યા છે. હવેથી ઇ-સાઇન એટલે કે નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલાતા ઓટીપી ટેકનિકથી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.
ચૂંટણી પંચે પોતાના ઇસીઆઇનેટ પોર્ટલ અને એપ પર એક નવું ઇ-સાઇન ફીચર લોંચ કર્યું છે. આ ફીચર અંતર્ગત વોટર્સનું રજિસ્ટ્રેશન, નામ હટાવવા કે સુધારા વધારા માટે અરજી કરતી વખતે પોતાના આધાર સાથે જોડાયેલા ફોન નંબરનો ઉપયોગ કરીને પોતાની ઓળખ સાબિત કરવાની રહેશે. અગાઉ અરજદારો કોઇ પણ પ્રકારની ખરાઇ વગર ફોર્મ જમા કરી શકતા હતા જેનાથી ઓળખના દુરુપયોગનો ખતરો રહેતો હતો.
નવી સિસ્ટમ શરૂ થયા બાદ હવે કોઇ નાગરિક ઇસીઆઇનેટ પોર્ટલ પર ફોર્મ છ (નવા રજિસ્ટ્રેશન), ફોર્મ સાત (નામ હટાવવા), ફોર્મ આઠ (સુધારા) ભરે તો ઇ-સાઇનની જરૂરિયાત પુરી કરવી પડશે. જેમાં આધાર કાર્ડ અને મતદાર કાર્ડમાં સરખા નામ, આધાર સાથે મોબાઇલ નંબર જોડાયેલો હોય વગેરેને ધ્યાનમાં લેવાશે. નોંધાયેલા મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. જે બાદ આગળની કાર્યવાહી થઇ શકશે.
સૌથી પહેલા આધાર નંબર માગવામાં આવે છે, આધાર નંબર નાખ્યા બાદ આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર ઓટીપી મોકલાય છે. ઓટીપી નાખ્યા બાદ વેરિફિકેશન પૂર્ણ થશે. નોંધનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે આલંદ મત વિસ્તારમાં આશરે છ હજાર વોટર્સના નામોમાં ફેરફાર માટે કોઇએ પ્રયાસ કર્યો છે. ઓરિજિનલ મતદારોના નામનો દુરુપયોગ કરાયો. ફોર્મ જમા કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ફોન નંબર પણ તે મતદારોના નહોતા જેના નામનો ઉપયોગ આ ફેરફાર માટે કરાયો.