પાટ–પાંચપીપરી માર્ગ પર દીપડાનો હુમલો, યુવતી ઈજાગ્રસ્ત; ગ્રામજનોમાં ભય, વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ,

પાટ–પાંચપીપરી માર્ગ પર દીપડાનો હુમલો, યુવતી ઈજાગ્રસ્ત; ગ્રામજનોમાં ભય, વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ,

વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
સાગબારા તા. 29 જૂન: સાગબારા તાલુકાના પાટથી પાંચપીપરી જતાં માર્ગ પર મોવડાના ઝાડ નજીક દીપડાના હુમલાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તા. 28/06/2026ના રોજ રાત્રે આશરે 9:45 વાગ્યે દિવ્યાબેન પ્રકાશભાઈ જૈન પોતાના પિતા સાથે મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક દીપડાએ હુમલો કરતાં દિવ્યાબેન ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ પાટ–પાંચપીપરી માર્ગ પર અગાઉ પણ દીપડાના હુમલાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે રાત્રિના સમયે મુસાફરી કરવી જોખમી બની ગઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે.
ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ દીપડાને વહેલી તકે પકડી સુરક્ષિત સ્થળે ખસેડવાની, અસરગ્રસ્ત વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની તેમજ લોકોને સુરક્ષા મળી રહે તે માટે જરૂરી પગલાં તાત્કાલિક ભરવાની માંગ કરી છે.
દીપડાના વધતા આતંકને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે વન વિભાગ આ મામલે કેટલા ઝડપથી અને અસરકારક પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.



