ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે આજે અને આવતીકાલે ગુજરાત, રાજસ્થાન, ગોવા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આજે બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ ભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયાણા-ચંદીગઢ, ઉત્તર પ્રદેશમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે બુધવારે દિલ્હીમાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કર્યું છે. IMD એ બુધવારે વાદળછાયું આકાશ અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે.
મંગળવારે હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો, રાજ્યભરમાં વધુ 85 રસ્તાઓ પર વાહનોની અવરજવરમાં વિક્ષેપ પડ્યો અને રાજધાની શિમલામાં ઘણા વૃક્ષો ઉખડી ગયા. રાજ્યમાં અત્યાર સુધીમાં 126 રસ્તાઓ બંધ છે. સ્થાનિક હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં આગામી બે દિવસ સુધી રાજ્યમાં વિવિધ સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર, 7 લોકોના મોત
ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. વિવિધ જિલ્લાઓમાં વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને 15,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને 300થી વધુ લોકોને બચાવી લેવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મંગળવારે સતત ત્રીજા દિવસે ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તેમણે કહ્યું કે સતત વરસાદને કારણે ડેમ અને નદીઓના જળસ્તરમાં વધારાને જોતા 15 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.