ભક્તિભાવથી થરાદમાં સંત રોહીદાસ બાપુની 649મી જન્મજયંતી ઉજવણી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ શહેર આજે ભક્તિ, એકતા અને સમરસતાના રંગે રંગાઈ ગયું હતું, કારણ કે સંત શિરોમણી રોહીદાસ બાપુની 649મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનાથ બાપુના આશ્રમથી શરૂ થયેલી આ રેલી હનુમાન ગોળાઈ સુધી ઉત્સાહભેર પસાર થઈ હતી.
રેલીમાં 18 આલમની પ્રતિનિધિ હાજરી રહી હતી, જે સમાજમાં સમાનતા અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવતી હતી. વિવિધ સમાજોના આગેવાનો, સાધુ-સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રેલીમાં જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં રહેવાસીઓ દ્વારા રેલીનું સ્વાગત કરી પુષ્પવર્ષા તથા સન્માન કરવામાં આવ્યું હતું.જામનાથ બાપુના આશ્રમથી હનુમાન ગોળાઈ સુધી ભવ્ય રેલી, 18 આલમની હાજરી સાથે એકતા અને સમરસતાનો સંદેશ ભજન-કીર્તન, જયઘોષ અને ધાર્મિક સૂત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સંત રોહીદાસ બાપુના જીવન અને ઉપદેશોને યાદ કરતા વક્તાઓએ સમતા, માનવતા અને અખંડ ભાઈચારું જાળવવાની અપીલ કરી હતી.
રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સુચારુ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી, જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. શહેરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને સૌએ સંત રોહીદાસ બાપુના દર્શાવેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.



