સરકારી ફરજમાં ગેરહાજરી, ખાનગી ક્લાસમાં હાજરી? આયુષ ડોક્ટર નરેશ ચૌધરીનો વિવાદ ગરમાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 
થરાદ: બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઢીમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ફરજ બજાવતા આયુષ ડોક્ટર નરેશ ચૌધરી ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. સરકારી ફરજ દરમિયાન ગેરહાજરી અને ખાનગી એકેડેમીમાં લેક્ચર આપવાના આક્ષેપોને લઈને સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. નોટિસના જવાબો અને મીડિયાની તપાસમાં સામે આવેલી હકીકતો વચ્ચે વિરોધાભાસ જોવા મળતા આરોગ્ય વિભાગની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.
માહિતી મુજબ તાલુકા આરોગ્ય અધિકારીએ ડોક્ટર નરેશ ચૌધરીને ફરજ દરમિયાન ગેરહાજરી અંગે નોટિસ પાઠવી હતી. નોટિસના લેખિત જવાબમાં તેમણે પોતે મમતા દિવસ અને ફિલ્ડ કામગીરીમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું. જોકે, બાદમાં તાલુકા આરોગ્ય અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે ડોક્ટરે પોલિયો કામગીરી માટે થરાદ ગયાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
દરમિયાન, મળેલી બાતમીના આધારે મીડિયા ટીમે થરાદની એક ખાનગી એકેડેમીમાં મુલાકાત લીધી હતી, જ્યાં ડોક્ટર નરેશ ચૌધરી વિદ્યાર્થીઓને ક્લાસ લેતા જોવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મીડિયા દ્વારા પૂછપરછ કરવામાં આવતાં તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. થોડા સમય બાદ તેઓ ઢીમા PHC ખાતે હાજર થયા હતા.
આરોગ્ય કેન્દ્ર ખાતે મીડિયાએ સરકારી ફરજ દરમિયાન ખાનગી એકેડેમીમાં હાજરી અંગે પ્રશ્ન પૂછતાં ડોક્ટરે માત્ર એટલું જ કહ્યું કે, “આ મારો પર્સનલ મામલો છે,” અને વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
આ સમગ્ર ઘટનાક્રમમાં નોટિસના જવાબમાં દર્શાવેલી વિગતો, તાલુકા આરોગ્ય અધિકારીના નિવેદન અને મીડિયાના દાવા વચ્ચે વિરોધાભાસ જોવા મળતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. જો સરકારી ફરજ દરમિયાન ખાનગી સંસ્થામાં ક્લાસ લેવામાં આવ્યા હોય, તો શું તે સરકારી સેવા નિયમોનું ઉલ્લંઘન ગણાય? અને જો નહીં, તો તેની સ્પષ્ટતા શું છે? આવા પ્રશ્નો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
સ્થાનિક લોકોમાં પણ માંગ ઉઠી રહી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ નિયમભંગ થયો હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આ ઘટનાએ વધુ એક મોટો પ્રશ્ન પણ ઉભો કર્યો છે કે જો સરકારી વિભાગો દ્વારા શાળાઓ, હોસ્પિટલો અને અન્ય સરકારી કચેરીઓમાં આવી જ રીતે નિયમિત અને અચાનક તપાસ કરવામાં આવે, તો શું સરકારી પગાર મેળવતા અને સાથે ખાનગી પ્રવૃત્તિઓ કરતા અન્ય કર્મચારીઓ પણ સામે આવશે? હવે સૌની નજર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવનારી કાર્યવાહી પર મંડાઈ છે.




