થરાદમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ: રાજસ્થાન બોર્ડર સુધી નહેર લંબાવવા આવેદનપત્ર

વાત્સલ્ય
મ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ અને રાહ પંથકમાં પાણીની ગંભીર સમસ્યાને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને અગ્રણીઓએ રાહ મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી સુજલામ સુફલામ કાચી નહેરમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ ઉઠાવી હતી.
ખેડૂતોની રજૂઆત મુજબ, હાલ જ્યાં સુજલામ સુફલામ કાચી નહેર પૂર્ણ થાય છે ત્યાંથી તેને આગળ રાજસ્થાન બોર્ડર સુધી લંબાવવામાં આવે તો સરહદી વિસ્તારોની હજારો એકર જમીનને સિંચાઈ માટે સીધો લાભ મળી શકે છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે આકરા ઉનાળાના કારણે ભૂગર્ભ જળસ્તર સતત નીચે જઈ રહ્યું છે. જેના કારણે ઉનાળુ પાક સુકાઈ રહ્યો છે તેમજ પશુઓ માટેનો ઘાસચારો પણ ખૂટી રહ્યો છે. પાણીના અભાવે પશુપાલકોની હાલત પણ દયનીય બની રહી છે.
આવેદનપત્રમાં ખેડૂતોે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે માત્ર દેખાવ પૂરતું પાણી છોડવામાં આવે છે, પરંતુ હાલ જ્યારે ખેડૂતોને સાચી જરૂર છે ત્યારે તંત્ર ઉદાસીન વલણ અપનાવી રહ્યું છે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં નહેરને તાત્કાલિક રાજસ્થાન બોર્ડર સુધી લંબાવવાની મંજૂરી અને ઉનાળુ પાક બચાવવા તરત જ પાણી છોડવાનો સમાવેશ થાય છે.
ખેડૂતોએ મામલતદાર મારફતે મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત પહોંચાડવાની વિનંતી કરી હતી. સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે.





