THARADVAV-THARAD

ભોરડુ–ટરુંવા રોડ રિનોવેશનમાં ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું ત્રણ મહિનામાં જ તૂટી ગયેલા આર.સી. કામથી ગ્રામજનોમાં રોષ, તપાસની માંગ ઉગ્ર

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

ભોરડુથી ટરુંવ સુધીના રોડના રિનોવેશન કામમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી રહી છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા રોડમાં જ્યાં જ્યાં આર.સી. (રિઇન્ફોર્સ્ડ કંક્રીટ) કામ કરવામાં આવ્યું હતું, તે ભાગો માત્ર ત્રણ મહિનામાં જ તૂટી જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રોડનું કામ પૂરું થયા બાદ થોડા જ સમયમાં તેમાં તિરાડો પડવા લાગી હતી અને હવે અનેક જગ્યાએ આર.સી.ના ભાગો ઊખડી ગયા છે. પરિણામે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતની ભીતિ પણ ઊભી થઈ છે.

રોડની ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કામમાં નીચી કક્ષાનું મટિરિયલ વપરાયું હોવાની ચર્ચાઓ વચ્ચે કોન્ટ્રાકટર અને સંબંધિત અધિકારીઓની મિલીભગતની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે યોગ્ય દેખરેખ અને ટેકનિકલ ચકાસણી વગર કામ પૂર્ણ દર્શાવી દેવામાં આવ્યું હતું.

સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ સમગ્ર કામની નિષ્પક્ષ અને ટેકનિકલ તપાસ કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું કે જો કામમાં ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી સરકારી નાણાંનો વ્યય અટકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.

હાલમાં ગ્રામજનોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓ તાત્કાલિક પગલાંની રાહ જોઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!