થરાદ ચાર રસ્તા પર ગૌમાતા સર્કલ માટે કળશ સ્થાપન મુહૂર્ત કરાયું

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ શહેરના મુખ્ય ચાર રસ્તા પર ગૌમાતાની પ્રતિમા સ્થાપનના શુભ સંકલ્પ સાથે આજે કળશ સ્થાપન મુહૂર્ત ભવ્ય રીતે યોજાયો હતો. આજથી સૌ સનાતની, ગૌપ્રેમી તથા ગૌભક્તો દ્વારા ગૌમાતા સર્કલના સ્થાપનકાર્યની શરૂઆત કરવામાં આવી છે.
થરાદ ચાર રસ્તા મુખ્ય સર્કલ પર ગૌમાતાની પ્રતિમા સ્થાપિત થવાની હોઈ, આ પવિત્ર સ્થળે સંતો અને ગૌભક્તોના હસ્તે વિધિવત કળશ સ્થાપન કરવામાં આવ્યું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સંતો અને મહંતોમાં નાગર વન બાપુ કરબૂન, અંકિત પુરી બાપુ ભાપી, રામ લખન બાપુ (ચારડા) ભાવેશ પુરી બાપુ આસોદર મઠ સહિતના સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું.
આ ઉપરાંત ગૌ સાંસદ રામભાઈ રાજપુત તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગૌભક્તોએ કળશ સ્થાપન કાર્યને સોભાયમાન બનાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ, ગૌસેવા અને સનાતન સંસ્કૃતિના સંદેશ સાથે આ પવિત્ર કાર્ય સંપન્ન થયું હતું.
ગૌમાતાની પ્રતિમા સ્થાપન થવાથી થરાદ શહેરને નવી ઓળખ મળશે અને આ સર્કલ આવનારી પેઢીઓને ગૌરક્ષા તથા સંસ્કારની પ્રેરણા આપશે તેવો વિશ્વાસ ગૌભક્તોએ વ્યક્ત કર્યો હતો.




