THARADVAV-THARAD

લુણાવા ગામે બાપની પેઢી સમજી તળાવ ખોદાય છે?” — તાલુકા સભ્યનો જ સરપંચ સામે આક્રોશ !

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ તાલુકાના લૂણાવા ગામમાં તળાવ ખોદકામ અને માટી વેચાણ મામલે વિવાદ ઊભો થયો હોવાનું સામે આવ્યું છે. ગામના ભરત માળી અને તાલુકા સભ્ય પરખાજી વચ્ચે થયેલી વાતચીતમાં સરપંચ અને તેના પુત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વાતચીત દરમિયાન ભરત માળીએ આક્ષેપ કર્યો કે સરપંચ પુત્ર રમેશ ભાઈ માંળી દ્વારા કેટલાક લોકોને 500 રૂપિયામાં ખેતરમાં માટી નાખવામાં આવી રહી છે, જ્યારે અન્યત્ર 250 થી 300 રૂપિયામાં માટી આપવામાં આવે છે. આ મુદ્દે તાલુકા સભ્ય પરખાજીએ પણ “ગામને પૂછ્યા વગર એક કાંકરી માટી પણ ઉપાડી ન શકાય” તેવી ટિપ્પણી કરી હોવાનું કહેવાય છે.

વાતચીતમાં તાલુકા સભ્યએ એવો પણ આક્ષેપ કર્યો કે સરપંચ ગામજનો કે સભ્યોની સલાહ લેતા નથી અને “બાપની પેઢી હોય એમ તળાવ ખોદાય છે” જેવી કડક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે કે અગાઉ પણ માટી મુદ્દે માથાકૂટ થઈ ચૂકી છે, પરંતુ કોઈ સાંભળતું નથી.

ભરત માળીએ તળાવ ઊંડું કરવાની જરૂરિયાત અને પાળ બાંધવાના કામ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. ગામમાં સમાન દરે માટી આપવાની માંગ સાથે ડીડીઓ સુધી રજૂઆત કરવાની વાત પણ ચર્ચાઈ હતી.

આ સમગ્ર મામલે ગામમાં રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે. જો આક્ષેપોમાં સત્યતા હશે તો તંત્ર દ્વારા તપાસ જરૂરી બનશે તેવી માંગ ઉઠી રહી છે. જોકે, આ મામલે સરપંચ પક્ષનો સત્તાવાર જવાબ હજુ સામે આવ્યો નથી.

Back to top button
error: Content is protected !!