વાવ-થરાદ જિલ્લામાં પોલી ક્લિનિક અને ICDP કચેરી શરૂ કરવાની માંગ સાથે માન. શંકરભાઈ ચૌધરીને રજૂઆત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લાના પશુપાલક, તુલસી ડેરી ફાર્મ, લુણાલના સંચાલક તથા ભાજપ થરાદ શહેરના પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ સુરજમલ સોની દ્વારા વાવ-થરાદ જિલ્લાના પશુપાલકોના હિતમાં માનનીય શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે વાવ-થરાદ જિલ્લામાં અંદાજે 11 લાખથી વધુ પશુધન હોવા છતાં જિલ્લા કક્ષાનું વિવિધલક્ષી પશુ દવાખાનું (પોલી ક્લિનિક) ઉપલબ્ધ નથી. પરિણામે પશુપાલકોને સોનોગ્રાફી, એક્સ-રે, સર્જરી સહિતની વિશેષ સારવાર માટે અન્ય જિલ્લાઓમાં જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચમાં વધારો થાય છે.
આ ઉપરાંત કાંકરેજ સહિતની દેશી ઓલાદોના સંરક્ષણ, આનુવંશિક સુધારણા, દૂધ ઉત્પાદનમાં વધારો તથા પશુપાલકોની આવક વધારવા માટે વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા કક્ષાની ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના (ICDP)ની કચેરી શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે.
પ્રકાશભાઈ સુરજમલ સોનીએ માનનીય શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરી રાજ્ય સરકાર સમક્ષ આ માંગણીને પ્રાધાન્ય આપી વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા કક્ષાનું વિવિધલક્ષી પશુ દવાખાનું (પોલી ક્લિનિક) તથા ICDP કચેરી વહેલી તકે મંજૂર કરાવવા જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે આ બંને સુવિધાઓ શરૂ થતાં જિલ્લાના હજારો પશુપાલકો અને લાખો પશુઓને સીધો લાભ મળશે તેમજ પશુપાલન ક્ષેત્રને નવી ગતિ મળશે.




