થરાદમાં મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી ગૌરવભેર ઉજવાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ ખાતે વિર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી રાજપુત સમાજ દ્વારા ગૌરવ અને ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વાવ, થરાદ અને સુઈગામ વિસ્તારના રાજપુત સમાજના યુવાનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા. ઉપસ્થિત સૌએ મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન “જય મહારાણા”ના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ મહારાણા પ્રતાપસિંહજીના જીવનચરિત્ર અને તેમના શૌર્ય વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપસિંહજીએ મુઘલ શાસક અકબર સામે સ્વાભિમાન અને સ્વતંત્રતા માટે અડગ સંઘર્ષ કર્યો હતો. હલદીઘાટીના યુદ્ધમાં દર્શાવેલું તેમનું પરાક્રમ આજે પણ ઇતિહાસમાં અવિસ્મરણીય માનવામાં આવે છે. તેમના વફાદાર અશ્વ ચેતકની વીરતા પણ લોકો માટે પ્રેરણારૂપ બની છે. સમાજના આગેવાનોએ યુવાનોને મહારાણા પ્રતાપસિંહજીના આદર્શો અપનાવી સમાજ અને રાષ્ટ્રસેવામાં આગળ આવવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ મહારાણા પ્રતાપસિંહજીના શૌર્ય અને બલિદાનને યાદ કરીને તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.






