ઉમરેઠમાં કાયદાના ડર વિના લાઇસન્સ વગર ચાલતો મોટાપાયે વ્યાજખોરોનો વેપલો:ઉપેન્દ્ર મકવાણાના ત્રાસથી પરિવાર પોલીસ શરણે.
પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર: કુંજન પાટણવાડીયા
ઉમરેઠ નગર ખાતે થોડા દિવસો પહેલા એક મુસ્લિમ યુવાને વ્યાજખોરો ના ત્રાસના કારણે આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું અને મુસ્લિમ પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યું છે ત્યારે આજરોજ વધુ એક વ્યાજખોર ઉપેન્દ્રભાઈ ઉર્ફે ટીનો ગોપાલભાઈ મકવાણા સામે ઉમરેઠના રોહિતવાસમાં રહેતા મનીષભાઈ મકવાણાએ મની લેન્ડર્સ એક્ટ હેઠળ લાઇસન્સ ન હોવા છતાં ઉછીના નાણા ૨૦ ટકા ના વ્યાજદરે બાકી હિસાબ કાઢી મનીષભાઈ તથા તેમના પરિવારને માનસિક ત્રાસ આપતા ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી.
ઉમરેઠ નગર ખાતે વ્યાજખોરોના આતંક બાદ વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે ઉમરેઠ નગરના રોહિતવાસ ખાતે રહેતા મનીષકુમાર વિનુભાઈ મકવાણા જે છૂટક વેપાર કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.મનીષભાઈ ઉમરેઠમાં મકાન રિનોવેશન નું કામકાજ કરે છે અને તેમના ફળિયામાં રહેતા ઉપેન્દ્રભાઈ ઉર્ફે ટીનાભાઈ ગોપાલભાઈ મકવાણા નું જલારામ સોસાયટીમાં આવેલ મકાનમાં રિનોવેશન કામ રાખ્યું હતું અને ત્યારથી તે બંને એકબીજાના વધુ પરિચયમાં આવ્યા હતા.ત્યારબાદ વખત જતા સારા પરિચયના કારણે મનીષભાઈને પૈસાની જરૂરિયાત ઉભી થતા ઉપેન્દ્રભાઈ ને વાતચીત કરી હતી ત્યારે ઉપેન્દ્રભાઈ એ જણાવ્યું હતું કે આપણે બંને એકજ નાતના છીએ પણ તારે પૈસાની જરૂરિયાત હોય તો તને વિષ્ણુભાઈ પટેલ(વી.કે) મારા મિત્ર છે,હું તને તેમની પાસેથી પૈસા અપાવીશ તું લઈ જજે અને તારી પાસે બહુ કશું વ્યાજ નહીં લઈએ માત્ર માસિક ૩ ટકા વ્યાજ આપજે,અમોને તારા પર વિશ્વાસ છે તેમ જણાવ્યું હતું.ત્યારબાદ ૨૦૨૧ માં માસિક ૩ ટકા ના વ્યાજે રૂ.૭૫૦૦૦ મનીષભાઈ એ લીધા હતા અને નિયમિત ૩ ટકા વ્યાજ યુપીઆઈ,રોકડથી તેમજ કામકાજના સ્થળેથી ચૂકવી આપ્યા હતા.ત્યારબાદ મનીષભાઈ એ ઉપેન્દ્ર પાસેથી ૧૩૦૦૦૦ વ્યાજે લીધા હતા અને સામે સિક્યુરિટી માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના કોરા ચેક સહી કરીને આપ્યા હતા.વખત જતા મનીષભાઇ એ ઉપેન્દ્ર પાસે વ્યાજે લીધેલ નાણાનો હિસાબ પૂછતા કોઈ હિસાબ ઉપેન્દ્ર એ આપેલ નહીં અને ઉપેન્દ્ર મનીષને જણાવે છે કે ,” તું તારી રીતે પૈસા જમા કરાવતો રહેજે,આપડું ચકેડુ ચાલુ રહેવું જોઈએ બીજી ચિંતા તું ન કરીશ.
ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે મનીષભાઇએ વ્યાજ તથા મૂડી પેટે ઉપેન્દ્ર ને નાણાં ચૂકવી દીધેલ છે છતાં અવાર નવાર ઉપેન્દ્ર મનીષભાઈના ઘરમાંથી કિંમતી વસ્તુઓ લઈ જવાની તથા ઘર નામે કરાવી દેવાની ટેલિફોનીક તથા રૂબરૂ ધમકીઓ આપતો હતો.જેથી મનીષભાઈ એ ૧૩/૦૬/૨૦૨૪ ના રોજ ઉપેન્દ્ર પાસે વ્યાજે લીધેલ નાણાનો હિસાબ માંગતા ઉપેન્દ્રએ માર્ચ ૨૦૨૩ સુધીમાં મનીષભાઈની બાકી મૂડી રૂ.૭૬૨૦૦ તથા માસિક ૨૦ ટકા વ્યાજ સાથે જૂન ૨૦૨૪ સુધીના બાકી પડતા નાણા રૂ.૩,૬૪,૨૦૦ નો હિસાબ પોતાના અક્ષરોમાં કાગળ પર લખી બતાવ્યો હતો.આટલા કપરા વ્યાજ ચુણવતા છતાં મનીષભાઈ તેમની સગવડતા મુજબ જે કઈ નાણાં આવે તેમ ઉપેન્દ્રને જમા કરાવતા હતા,તેમ છતાં ઉપેન્દ્ર મનીષભાઈને ધમકાવતો હતો અને કહેતો હતો કે મારા પૈસાનું શું કર્યું અને તને ખબર છે ને કે પૈસા વિષ્ણુભાઈ પટેલ(વી.કે) ના છે,તું એમને ઓળખું છે ને કે એ પટેલ ભાયડો છે અને તારું ઘર ઊભા ઊભા જ ખાલી કરાવી નાખશે અને ઘર પોતાના નામ પર કરાવી દેશે અને તારા ઘરવાળા ને રખડતા કરી નાખશે એટલે સીધો સીધો પૈસા આપી દે બાકી તારા બૈરી અને છોકરા શોધ્યા નહીં જડે” આટલી ગંભીર ધમકીઓ આપ્યા બાદ મનીષભાઈ એ ઉપેન્દ્ર ને કહ્યું કે મેં મૂડી અને વ્યાજ બધું ચૂકવી દીધું છે છતાં તમે આટલા બધા પૈસા કેવી રીતે કાઢો છો ત્યારે ઉપેન્દ્ર ઉશ્કેરાઈને કહેવા લાગ્યો કે શિવરાત્રિ જવાદે પછી તારી વલે કાઢું છું અને હજી તારો આજ દિન સુધીનો ૪,૯૫,૦૦૦ હિસાબ બાકી નીકળે છે જે તારે મને આપવો પડશે અને જો મને નહીં આપું તો ઘરમાંથી ખેંચીને બહાર કાઢીને માર મારીશું અને અમે કોણ છે એ તને ખબર નહિ,તારો કોરો ચેક મન ફાવે તેવી રકમ ભરીને કોર્ટમાં કેસ કરી દઈશ અને તને ભેરવી દઈશ.જેથી મનીષભાઈ આવા માથાભારે વ્યાજખોરો થી ડરી ગયા હતા ને જીવનનું અંતિમ પગલું ભરતા પહેલા પોલીસ તંત્ર પર વિશ્વાસ રાખીને ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે આવા નિર્દયી વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉમરેઠ પોલીસ દ્વારા વ્યાજખોર ઉપેન્દ્રની અટકાયત કરીને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.