RAMESH SAVANI
આ શરમજનક ઘટના સૂચવે છે એટ્રોસિટી એક્ટ વિના દલિતોને ન્યાય ન મળે !
ગોંડલના સત્તારક્ષના ધારાસભ્ય ગીતાબેન જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશસિંહે સત્તાની ઓથના કારણે કાયદાને પિતાની જાગીર સમજી શરમજનક કૃત્ય કરેલ છે. જયરાજસિંહે નિલેશ રૈયાણી હત્યા કરી હતી તેથી તેને આજીવન કેદની સજા થઈ છે; પણ શરતી જામીન ઉપર છૂટેલ છે !
જૂનાગઢના દલિત યુવક સંજય રાજુભાઈ સોલંકી (26) 30 મે 2024ના રોજ રાત્રે 11 વાગ્યે કાળવા ચોક પાસે પોતાના 6 વરસના પુત્ર સાથે પસાર થતો હતો ત્યારે એક કારે જોખમી રીતે પસાર થઈ બ્રેક મારી હતી. સંજયે કાર ચાલકને સરખી રીતે કાર ચલાવવા કહ્યું. બસ, આવું કહેવાય જ કેમ? કારમાંથી ઈસમો નીચે ઊતર્યા. થોડીવારમાં બીજી કાર આવી. 10 ઈસમોએ ઝઘડો શરુ કર્યો ત્યાં સંજયના પિતા રાજુભાઈ આવી ગયા. કારમાં ગણેશસિંહ બેઠો હતો. તે રાજુભાઈને ઓળખતો હોવાથી એ સમયે સમાધાન થયેલ. એ પછી રાત્રે પોણા ત્રણ વાગ્યે સંજય પોતાનું મેટરસાયકલ લઈને ઘેર જતો હતો ત્યારે દાતાર રોડ પર ગણેશસિંહ અને તેની ગેંગના ઈસમોએ પોતાની કાર ફૂલ સ્પીડમાં ચલાવી સંજયની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી જેથી સંજય રોડ પર પછડાયેલ. કારમાંથી પાંચ ઈસમોએ ઉતરી લોખંડના પાઈપ વડે સંજયને માર માર્યો. એ દરમિયાન બીજી બે કાર ત્યાં આવી. તેમાંથી કેટલાંક ઈસમો નીચે ઊતર્યા અને સંજયને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી ગોંડલ ગણેશસિંહના ગણેશગઢ-ફાર્મમાં લઈ ગયા. તેમાં એક પોલીસ વાળો હતો તેણે સંજયને કારમાં માર મારેલ અને જાતિ સૂચક ગાળ આપી કહેલ કે ‘—ને મારો, આ લોકોનો ત્રાસ વધી ગયેલ છે !’ સંજયને ગણેશસિંહની ઓફિસમાં લઈ ગયેલ. ત્યાં પાંચ છ ઈસમો પિસ્તોલ અને લોખંડના પાઈપ સાથે હાજર હતા. તેમણે ગણેશના કહેવાથી સંજયના કપડાં કાઢી નાખ્યા, અને આડેધડ ઢીકાપાટુંનો માર મારેલ. અને માફી મંગાવેલ. માફીનો વીડિયો ઊતારેલ. ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ. જૂનાગઢ કોંગ્રેસ NSUIમાંથી રાજીનામું આપવા ધમકી આપેલ. તે સમયે ધારસભ્ય ગીતાબેને કહેલ કે ‘આને મારી નાખો. કૂવામાં નાખી દો !’ ત્યારબાદ સંજયને ભેસાણ ચોકડી પર છોડી દીધો હતો. ત્યાંથી સંજય સીધો જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી 10 આરોપીઓ સામે IPC કલમ- 143/ 147/ 148/ 149/ 307/ 365/ 323/ 504/ 506(2); આર્મ્સ એક્ટ કલમ- 25(1-B)(A) તથા એટ્રોસિટી એક્ટ કલમ- 3(1)(r)(s)/ 3 (2)(5) હેઠળ FIR નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદ 31 મે 2024ના સવારના કલાક 9.30 વાગ્યે નોંધી હતી.
થોડાં મુદ્દાઓ : [1] ગુજરાતમાં સત્તાપક્ષના ધારાસભ્યને કે તેમના સંતાનોને કાયદો લાગુ પડતો નથી. સત્તા અને આર્થિક તાકાતના કારણે તેઓ એવું માને છે અમે વિશેષ અવતારી છીએ ! એક દલિત ગાડી સરખી રીતે ચલાવવાનું કહે તો કઈ રીતે સહન થાય તેવી સામંતવાદી માનસિકતાના કારણે ન કરવાના કૃત્યો કરે છે. સંજયનો વાંક એટલો જ હતો કે તે દલિત હતો ! ધારાસભ્યનો પુત્ર જાણે રાજા હોય તે રીતે સંજયને શિક્ષા કરે છે. અપહરણ કરે છે. તેના કપડા કાઢી અપમાનીત કરે છે. નિર્દય રીતે મારઝૂડ કરે છે. આ બધું કર્યા પછી તેને રોડ ઉપર છોડી દેવામાં આવે છે ! દરેક તાલુકામાં આવા ગુંડાઓ છે; ગોંડલમાં તો ગુંડાઓ જ તંત્ર ચલાવે છે. એમને પોલીસ કે જેલનો ડર નથી કેમકે તેઓ પોલીસ/ જેલને ખરીદીને બેઠાં છે. રાજુભાઈ કહે છે કે ગણેશસિંહે લોકોને મારઝૂડ કરવા ઓફિસ બનાવી છે ! [2] FIR નોંધાયા બાદ, જૂનાગઢ મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ગુંડાઓની તરફેણ કરી અને સંજયના પિતા રાજુભાઈને પૂરું કરવા/ FIR પાછી ખેંચવા ફોન કર્યો, અને કહ્યું હતું કે ‘જે જોઈતું હોય તે લઈ લો !’ દલિતોને ન્યાય ન મળે તે માટે સત્તાપક્ષના મેયર પણ ભૂંડી ભૂમિકા ભજવે છે. કોઈ દલિતને ‘જે જોઈતું હોય તે લઈ લો !’ એમ કહેવું એ નીચતા ન કહેવાય? [3] રાજુભાઈએ ગિરીશ કોટેચાને કહેલ કે ‘ધારસભ્ય ગીતાબેને કહેલ કે આને મારી નાખો. કૂવામાં નાખી દો !’ ધારાસભ્ય ગીતાબેન સહઆરોપી ગણાય કે નહીં? શું સત્તાપક્ષના ધારાસભ્ય સંવેદનહીન જ હોય છે? [4] ગુંડાઓ ફરાર થઈ ગયા છે. કદાચ આગોતરા જામીન અરજી મૂકે અથવા પોલીસ સાથે સેટિંગ કરી હાજર થાય ! ગુંડાઓને કાયદાનો/ પોલીસનો બિલકુલ ડર નથી એટલે પોતાની મરજી મુજબ હાજર થશે ! કદાચ FIRમાંથી કલમ-307 રદ કરાવવા પરિશ્રમ કરશે ! શું પોલીસ ગુનમાં વપરાયેલી દરેક કાર કબજે લેશે? ગુનામાં વપરાયેલ પિસ્તોલને કબજે કરશે? સંજયને નગ્ન કરી માફી મંગાવી તે વીડિયો કબજે કરશે? ગુના સમયે અને ગુના બાદ આરોપીઓ કોના કોના સંપર્કમાં હતા તેનો પુરાવો એકત્ર કરવા આરોપીઓના મોબાઈલની કોલ ડીટેઈલ્સ મેળવશે? ગુના લખતે આરોપીઓની હાજરી અંગે પુરાવો એકત્ર કરશે? શું પોલીસ આરોપીઓની આકરી પૂછપરછ કરશે? ગુનાના સ્થળે આરોપીઓને હાથકડી પહેરાવી લઈ જશે? શું પોલીસ ડુપ્લિકેટ આરોપીના બદલે ઓરિઝનલ આરોપી પકડશે? શું પોલીસ IPC કલમ-120B/ 114નો ઉમેરો કરશે? દલિત સમુદાયે જૂનાગઢના કલેક્ટરને કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપેલ છે. ગુજરાતમાં દલિતો સામેના ગંભીર ગુનામાં આવેદનપત્ર આપવું પડે તે જ તંત્ર/ સરકાર માટે શરમજનક કહેવાય ! શાસકો દલિતોમાં સુરક્ષા/ વિશ્વાસ પ્રગટાવી શક્યા નથી. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આ અત્યાચાર સામે અવાજ ઊઠાવ્યો છે. [5] આવું ગુજરાત કોણે બનાવ્યું ? સમાજ/ દેશના વિકાસ માટે જરુરી છે કે સામંતવાદી માનસિકતા/ ઊંચનીચની મનોવૃતિનો ત્યાગ કરવો જોઈએ. આધુનિક/ પ્રગતિશીલ મૂલ્યોનું સ્થાપન થવું જોઈએ. પરંતુ ગોડસેવાદી શાસને સમાજમાં ‘નકલી હિન્દુત્વ’ના નામે ઊંચનીચના ભેદભાવ ટકાવી રાખવા ઝૂંબેશ આદરી છે. લખી લ્યો, પ્રત્યેક ‘નકલી હિન્દુત્વ’નો ઝંડાધારી દલિત વિરોધી હોય છે ! ગરીબ/ વંચિત વિરોધી હોય છે ! [6] સવાલ એ છે કે સંજયે સત્તાપક્ષના ગુંડાઓ સામે ફરિયાદ કરી છે અને ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ સમજાવેલ છતાં પોતાની ફરિયાદને વળગી રહ્યો છે; તેનું કારણ શું છે? એટ્રોસિટી એક્ટના કારણે દલિતો ફરિયાદ કરી શકે છે. જો એટ્રોસિટી એક્ટ ન હોત તો સંજયે ફરિયાદ કરી ન હોત ! એટ્રોસિટી એક્ટની કલમ-4ના કારણે પોલીસ ફરિયાદ નહીં નોંધવાનું સાહસ કરી શકતા નથી. એવું કરે તો ઓછામાં ઓછી 6 મહિનાની કેદ અને 1 વરસ સુધીની કેદ થઈ શકે. જૂનાગઢ પોલીસે મોડે મોડે FIR નોંધવી પડી તેનું કારણ આ જોગવાઈ છે. દલિત/ આદિવાસી સમુદાય સિવાય ભોગ બનનાર અન્ય કોઈપણ સમાજનો હોત તો પોલીસે આ ફરિયાદ નોંધી ન હોત ! વેરાવળના ડો. અતુલ ચગની સ્યુસાઈડ નોટમાં સત્તાપક્ષના સંસદસભ્ય રાજેશ ચુડાસમાનું નામ લખ્યું હતુ એટલે પોલીસે તેની વિરુદ્ધ FIR નોંધી ન હતી ! ‘ગોડસેવાદી મોડેલ’નો સ્થાપિત સિદ્ધાંત એ છે કે સત્તાપક્ષના ધારાસભ્યો/ સંસદસભ્યો/ તેમના સંતાનો/ તેમની ગેંગના ઈસમોને દેવદૂત જ માનવા ! આ શરમજનક ઘટના સૂચવે છે એટ્રોસિટી એક્ટ વિના દલિતોને ન્યાય ન મળે !rs