GUJARATKUTCHMANDAVI

નોખણિયા પ્રા. શાળામાં પ્રવેશોત્સવની રંગે ચંગે ઉજવણી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા. ૨૭  : તાલુકાની નોખાણિયા પં. પ્રા. શાળામાં ૨૧ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શાળાને ધજા પતાકાઓ અને ફુગ્ગાઓથી શણગારવામાં આવી હતી. બાળાઓ દ્વારા પ્રાર્થના બાદ કાર્યક્રમના મુખ્ય અતિથિ વાણિજ્ય વેરા અધિકારી રવિરાજસિંહ વાઘેલા, લાયઝન અધિકારી ચિંતન જોબનપુત્રા, શાળાના આચાર્ય હરિસિંહ જાડેજા, આંગણવાડી કાર્યકર હેતલ છાંગા, એસ.એમ.સી.અધ્યક્ષ ભિલાલ સમા વગેરે દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. શાળાની બાળાઓએ સ્વાગત ગીત , બાળકોએ પુસ્તક અને શાળાના આચાર્યે મોમેન્ટો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. આ તકે શાળાના આચાર્ય હરિસિંહ જાડેજાએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણીનો હેતુ સમજાવી કોઈ પણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે , બાળકો નિયમિત શાળાએ આવે અને અધવચ્ચે શાળા ન છોડે તે માટે સૌ વાલીઓ અને ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તેમણે સરકારશ્રીની વ્હાલી દીકરી, વિદ્યા લક્ષ્મી બોન્ડ, નમો સરસ્વતી, નમો લક્ષ્મી સહિતની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડીના ૯ બાળકો, બાલવાટિકાના ૧૪ જ્યારે ધો. ૧ માં ૧ બાળક મળી કુલ ૨૪ બાળકોને શાળાની બાળાઓએ કુમ કુમ તિલક અને મીઠું મોઢું કરાવી પ્રવેશ અપાવ્યો હતો. ગામના યુવા ટ્રાન્સપોર્ટ અગ્રણી ભરત છાંગા દ્વારા પ્રવેશ પામતા તમામ બાળકોને સ્કૂલ બેગ સહિતની શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત તેમના તરફથી ધો. ૩ થી ૮ માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત બાળકોને પણ ઇનામો આપવામાં આવ્યા હતા. બાળકોએ યોગ નિદર્શન કર્યું હતું. અમૃત વચન અંતર્ગત બાળકોએ બેટી બચાવો અને વૃક્ષારોપણ વિશે વક્તવ્ય આપ્યું હતું. શાળાના તમામ બાળકોને શાળાના શિક્ષકો બ્રિજેશ બૂચ અને કેશુ ઓડેદરા તરફથી તિથીભોજન કરાવાયું હતું. એસ.એમ.સી. અધ્યક્ષ ભિલાલ સમા તરફથી મંડપ ડેકોરેશનનો સહયોગ મળ્યો હતો. દાતાઓનું મહેમાનોના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના અને એસ.એમ.સી. ના સભ્યો ઉપરાંત વાલીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો શ્રીયા છાંગા અને માધવ છાંગાએ જ્યારે આભાર વિધિ મ. શિક્ષક બ્રિજેશ બૂચે કરી હતી. આયોજનને સફળ બનાવવા શાળાના શિક્ષકો લીલાધર બિજલાણી, નમ્રતા આચાર્ય , માનસી ગુસાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

 

Back to top button
error: Content is protected !!