RAMESH SAVANI

‘વરસાદી પાણી લીક’ તરીકે ઓળખાવીને નાગરિકો ભીંનુ સંકેલી રહ્યા છે !

કેટલાંક લોકો સંસદમાં વરસાદી પાણી ટપકી પડ્યું અને વાદળી કલરની ડોલે તેને ઝીલી લીધું તેને મુદ્દો બનાવ્યો છે ! કેટલાંક તો આ ઘટનાને પેપર લીક/ બ્રિજ લીક/ રામમંદિર લીક/ સરદાર પટેલ સ્ટેચ્ચૂ લીક/ એરપોર્ટ લીક સાથે સરખાવી વડાપ્રધાનની હાંસી ઉડાવી છે ! કંઈ પણ લીક થાય એટલે વડાપ્રધાન જવાબદાર? વડાપ્રધાનના સમર્થનમાં વિપક્ષોએ અને નાગરિકોએ એટલું તો સ્વીકારવું જ પડશે કે ભલે સરકારી પ્રોજેક્ટ લીક થાય; પણ દિલ્હીના અને રાજ્યોના એક પણ ‘કમલમ’માં એક પણ ટીપું લીક થયું છે? એક પણ તિરાડ પડી છે? શું એ વડાપ્રધાનની કાબેલિતનો પુરાવો નથી?
મારી દષ્ટિએ ‘સંસદ લીક’ની ઘટનાને ગંભીરતાથી લેવાની જરુર છે. જો કે સરકારે પણ આ ઘટનાને હળવાશથી લેતા ખુલાસો કરેલ છે કે ‘સંસદમાં પૂરતો કુદરતી પ્રકાશ આવે તે હેતુથી છતમાં ઠેરઠેર કાચ ફિટ કરેલ છે, અમુક કાચનું એડહેસિવ નીકળી જતાં વરસાદી પાણીએ સંસદમાં પ્રવેશ કર્યો છે !’
ઊંડાણપૂર્વક વિચારતા મને લાગે છે કે ‘સંસદ લીક’ની ઘટના સંવેદના સાથે/ લોકશાહી સાથે/ લોકોની વેદના સાથે જોડાયેલી છે ! નવું સંસદભવન ત્યારથી જ નારાજ હતું જ્યારે તેનો પાયો નંખાયો ! રુપિયા 2100 કરોડનો ખર્ચ કરવાની જરુર નથી એવું ત્યારે વિપક્ષોએ કહ્યું હતું પણ વડાપ્રધાન સમજે તો ને? નવા સંસદભવનના ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિને આમંત્રણ જ ન આપ્યું અને ઉતાવળે વડાપ્રધાને ઉદ્ઘાટન કરી નાખ્યું ! ડીસેમ્બર 2023માં, નવા સંસદ ભવનમાંથી સરકારની આલોચના કરનાર 141 વિપક્ષી સાંસદોને સામૂહિક રીતે કાઢી મૂક્યા ! ત્યારે નવા સંસદ ભવનને પોક મૂકીને રડવું હતું પણ ગોદી મીડિયા ‘મને બદનામ કરી મૂકશે’ એ ભયે નવા સંસદ ભવને મૌન ધારણ કર્યું હતું ! એટલું જ નહીં, સરકાર અને વડાપ્રધાનના જૂઠ્ઠાણાં સાંભળી સાંભળી નવું સંસદ ભવન ત્રાસી ઊઠ્યું હતું પણ કહે કોને? જે લોકો માટે નવું સંસદભવન ચિંતા કરી રહ્યું હતું, તેની કોઈ ચિંતા નાગરિકોને હતી જ નહીં ! પરિણામ એ આવ્યું કે નવા સંસદ ભવનનું હ્રદય એટલું ભરાઈ ગયું કે એમનાથી દુ:ખને રોકી શકાયું નહી અને મન મૂકીને જ રડી લીધું ! પણ નિષ્ઠુર લોકોને આ વેદના ક્યાં દેખાય છે? દુ:ખ એ વાતનું છે કે આ વેદનાને સમજવાને બદલે માત્ર ‘વરસાદી પાણી લીક’ તરીકે ઓળખાવીને નાગરિકો ભીંનુ સંકેલી રહ્યા છે !rs

Back to top button
error: Content is protected !!