બાંગ્લાદેશમાં સત્તાપલટો દેશ છોડીને ભારત આવ્યા વડાપ્રધાન શેખ હસીના

અનામત હટાવવાની માંગ સાથે શરુ થયેલ હિંસક આંદોલનના કારણે બાંગ્લાદેશમાં હવે અત્યંત ગંભીર પરિણામ જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન ઢાકા છોડીને ભારત આવી ગયા છે. બીજી તરફ બાંગ્લાદેશમાં હવે સેના દ્વારા વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
શેખ હસીના ઢાકાથી ભાગીને ભારતના હિંડન એરબેઝ પર ઉતર્યા હતા. આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ તેમની સાથે મુલાકાત કરી હતી. ભારતના NSA અજીત ડોભાલ પણ શેખ હસીનાને મળવા માટે પહોંચ્યા હતા. આશરે એકથી દોઢ કલાક સુધી બંને વચ્ચે બેઠક ચાલી હતી.
શેખ હસીના ભારતમાં જ આશરો લેશે કે પછી કોઈ બીજા દેશમાં જશે તેને લઈને હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે હાલ તો ભારતના જવાનો જ શેખ હસીનાને સુરક્ષા આપી રહ્યા છે.
એવામાં બીજી તરફ એવી પણ શક્યતા છે કે બાંગ્લાદેશની સમગ્ર પરિસ્થિતિ મામલે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર આવતીકાલે સંસદમાં વિસ્તૃત નિવેદન આપી શકે છે. ભારત આ મુદ્દે શું વલણ અપનાવશે તે પણ જયશંકર આવતીકાલે સ્પષ્ટ કરી શકે છે.
બાંગ્લાદેશમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આંદોલનકારીઓ હવે વડાપ્રધાનના નિવાસ સ્થાનમાં ઘૂસી ગયા છે. ઇન્ટરનેટ બંધ, કર્ફ્યૂ છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી નથી. રસ્તા પરથી પોલીસને હટાવીને સેના તૈનાત કરી દેવામાં આવી છે.
બીજી તરફ બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર શેખ હસીના ભારત તરફ રવાના થયા તે પહેલાં તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. બાદમાં સેના દ્વારા પણ આ મુદ્દે જાહેરાત કરવામાં આવી હતી. સેનાએ જાહેરાત કરી છેક એ હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવી અમે શાસન કરીશું. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ પીએમ હાઉસમાં દાખલ થઈ ગયા છે.
શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષાદળોને આગ્રહ કર્યો છે કે સત્તા પલટો કરવાના પ્રયાસોને રોકે. બાંગ્લાદેશના સત્તારુઢ પક્ષ આવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટીના દિગ્ગજ નેતાઓ વચ્ચે સેનાના હેડક્વાર્ટરમાં બેઠક થઈ રહી છે.
નોંધનીય છે કે હિંસક પ્રદર્શનમાં છેલ્લા 48 કલાકમાં જ બાંગ્લાદેશમાં 100થી વધુ લોકોના મોત થયા છે. નોંધનીય છે કે આવા જ દૃશ્યો થોડા મહિનાઓ પહેલા શ્રીલંકામાં પણ જોવા મળ્યા હતા. ત્યારે પણ હજારોની સંખ્યામાં લોકો શ્રીલંકાના રાષ્ટ્રપતિના આવાસમાં ઘૂસી ગયા હતા.
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના નામે શરુ થયેલ આંદોલન બાદમાં હિંસક ગૃહયુદ્ધમાં ફેરવાયું હતું. સૌથી પહેલાં શિક્ષણમાંથી અનામત ખતમ કરવાની માંગ સાથે આંદોલન શરુ થયું હતું. બાંગ્લાદેશમાં 1971ના સ્વતંત્રતા સેનાનીઓના વંશજોને અનામત આપવામાં આવે છે.
કોર્ટે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારીને અનામત ઘટાડી દીધું હતું. જો કે ત્યાર બાદ પણ હિંસક પ્રદર્શનકારીઓ શાંત થયા નહીં. પ્રદર્શનકારીઓએ પછી શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે આંદોલન શરુ કર્યું હતું.
લોકોએ પોલીસ સ્ટેશનો, સત્તારુઢ પક્ષના કાર્યાલયો, નેતાઓ પર હુમલા કર્યા. હજારોની સંખ્યામાં વાહનો સળગાવી નાંખવામાં આવ્યા. સરકારે ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર પ્રતિબંધ લગાવ્યો હતો.



