ઈઝરાયેલી સેના સીરિયામાં ઘૂસી હોવાના અહેવાલો સામે આવ્યા
ઈઝરાયલની વધુ એક એરસ્ટ્રાઈક, કમાન્ડો ઓપરેશન કરવા સેના સીરિયામાં ઘૂસી, ઈરાન લાલઘૂમ

હમાસી આતંકવાદીઓ પર આક્રમક બનેલા ઈઝરાયલે વધુ એક દેશમાં એરસ્ટ્રાઈક કરી છે. કમાન્ડો ઓપરેશન પાર પાડવા ઈઝરાયેલી સેના સીરિયામાં ઘૂસી હોવાના તેમજ ત્યાં ઈરાનના અધિકારીઓના અપહરણ કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. કમાન્ડોએ સીરિયાના પાંચ સૈન્ય સ્થળો ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન મિસાઈલ એટેક પણ કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ હુમલામાં સાત લોકોના મોત તેમજ 15 લોકોને ઈજા થઈ છે. ઈઝરાયલની કાર્યવાહી બાદ ઈરાન લાલઘૂમ થયું છે. આ એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થઈ ગયો છે.
ઈઝરાયેલના કમાન્ડો ફોર્સે નવમી સપ્ટેમ્બરના સીરિયામાં ઘૂસ્યા હતા, જ્યાં તેમણે ઈરાનના અનેક અધિકારીઓના અપહરણ કર્યા છે. સીરિયાના મસયફ અને હામા વિસ્તારમાં ઈરાનને સમર્થન આપતા આતંકવાદીઓ રહે છે અને આ જ વિસ્તારમાં ઈરાનના અધિકારીઓ આવ્યા હતા. જ્યાં ઈઝરાયલે એરસ્ટ્રાઈક કર્યા બાદ ગ્રાઉન્ડ ઓપરેશન પાર પાડ્યું હોવાનું તેમજ મિસાઈલ એટેક પણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ ઈઝરાયેલી કમાન્ડોએ બેથી ચાર ઈરાની અધિકારીઓને કેટલીક સિસ્ટમ તેમજ દસ્તાવેજો સાથે ઉઠાવી લીધા છે. આ તમામ અધિકારીઓ મયસફમાં આવેલા સાન્ટિફિક રિસર્ચ સેંટરમાં હતા. કમાન્ડોએ સેન્ટરના ગાર્ડને પણ મોતને ઘાટ ઉતાર્યો છે. આ હુમલો ફાયટર જેટ્સ દ્વારા કરાયો હોવાનો તેમજ હામા વિસ્તારમાં હુમલો કર્યા બાદ હેલિકોપ્ટરથી ગ્રાઉન્ડ ઓપરેશન કરાયું હોવાની વિગતો પણ સામે આવી છે.



