કાલોલ શહેર સ્થિત એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજમાં કાવ્ય પઠન સ્પર્ધા યોજાઈ

તારીખ ૧૯/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત એમ.એમ.ગાંધી આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ માં કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન ડૉકટરશ્રી અર્જુનભાઈ ગઢવીના સંચાલન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ ૪૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો .ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત જેવી ત્રિવિધ ભાષાઓના વિવિધ પ્રખ્યાત કવિઓની કાવ્ય રચનાઓનું વિદ્યાર્થીઓએ ભાવવાહી પઠન કર્યું હતું. ગીત ,ગઝલ,સોનેટ અને અછાંદસ એમ વિવિધ કાવ્ય રચનાઓ વિદ્યાર્થીઓએ રજૂ કરી વાતાવરણને કાવ્યમય બનાવી દીધું હતું. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે પરમાર મેહુલ , દ્વિતીય ક્રમાંકે જોષી જાગૃતિ અને તૃતીય ક્રમાંકે શાહ મિલન વિજેતા જાહેર થયા હતા .કૉલેજના આચાર્યશ્રીએ સમગ્ર કાર્યક્રમની સરાહના કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમનામાં પડેલી આંતરિક શક્તિઓને જાગૃત કરવા માટે આપણી કૉલેજ હંમેશા એક સુંદર પ્લેટફોર્મ પૂરું પાડે છે,તેમજ આવી સ્પર્ધાઓ થકીજ વૈશ્વિક ફલક પર પહોંચી શકાય છે તેમ કહી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ ઉપરાંત તેઓએ પ્રથમ દસ વિદ્યાર્થીઓને પુસ્તક ભેટ રૂપે આપ્યા હતા. આ સ્પર્ધામાં પ્રોફેસર આઈ.પી. મેકવાન, પ્રોફેસર મયંકભાઈ શાહ અને પ્રોફેસર ચેચ.એન.કાકણી એ નિર્ણાયક તરીકે સુપેરે પોતાની ભૂમિકા બજાવી હતી.આ કાર્યક્રમની સફળતા ઈચ્છતા ડૉકટર અજયભાઈ સોની,ડૉકટર હરેશભાઈ સુથાર, ડૉ. વિષ્ણુભાઈ વણકર અને ડૉ.જે.બી.રાઠવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દિલથી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે ડો.અર્જુનભાઈ ગઢવીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આચાર્ય, નિર્ણાયકો,સ્પર્ધક વિદ્યાર્થીઓ અને શ્રોતા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સુચારું સંચાલન એમ.એ.ની વિદ્યાર્થિની શ્વેતાએ સુંદર રીતે કર્યું હતું.







