વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ તા. ૧૮ ઓક્ટોબર : રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોના આંતરિક બદલીના પહેલા અને બીજા તબક્કાના કેમ્પો પૂર્ણ થવાના આરે હોઈ આગામી સમયમાં યોજાનાર પ્રાથમિક શિક્ષકોનો જિલ્લાફેર બદલી કેમ્પનો કાર્યક્રમ ઝડપથી જાહેર કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના શિક્ષણ સચિવ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલ દ્વારા સચિવ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે જિલ્લા ફેર કેમ્પ સત્વરે જાહેર કરવા આવે તથા તે માટેના અગ્રતા રજીસ્ટરમાં ૫૦% મુજબની ભરવાપાત્ર જગ્યાઓમાં જ્યાં પ્રતિક્ષાયાદી પૂર્ણ થઈ ગઈ હોય ત્યાં તે જિલ્લામાં ચાલુ વર્ષે ઑનલાઈન કેમ્પ કરીને તે જગ્યાઓ અગ્રતાના ઉમેદવારોથી ભરવામાં આવે. બાદમાં જો અગ્રતાના ઉમેદવારો પ્રાપ્ત ન હોય તો તેવી જગ્યાઓ સામાન્ય શ્રેયાનતા યાદીમાંથી ભરવામાં આવે. સને ૨૦૧૪ થી ૨૦૧૯ના બોન્ડવાળા શિક્ષક ભાઈબહેનોને ઑફલાઈન અરજી કરવાનો લાભ મળેલ નથી તેવા તમામ શિક્ષકોની ઑનલાઈન અરજીઓ મેળવીને કેમ્પ કરવામાં આવે. ગત વર્ષે અગ્રતાના કિસ્સાની ૫૦% મુજબની જગ્યામાં પૂરતા ઉમેદવારો ન મળતા તે જગ્યાઓ સામાન્ય શ્રેયાનતા યાદીમાંથી ભરવામાં આવી હતી. પરંતુ ખરેખર સ્થિતિ એ હતી કે ઉપર જણાવેલ વર્ષ-૨૦૧૪ થી ૨૦૧૯ના શિક્ષકોને જિલ્લાફેર ઑફલાઈન અરજીનો લાભ મળેલ ન હોવાના કારણે અગ્રતાની જગ્યાઓ હોવા છતાં અગ્રતા ધરાવતા ઉમેદવારોને પોતાનો હક હોવા છતાં બદલીથી વંચિત રહેવું પડેલ માટે જે શિક્ષકોને ઑફલાઈન અરજીનો લાભ મળેલ નથી તેવા તમામ શિક્ષકોને ઑનલાઈન અરજીનો લાભ મળે તે મુજબ આગામી યોજાનાર જિલ્લાફેર બદલીના કેમ્પોનો કાર્યક્રમ જાહેર કરવા રજૂઆત કરાઈ છે.આ સાથે જે જિલ્લામાં એકતરફી અને અગ્રતા કોઈનું વેઈટીંગ નથી ત્યાં ઑનલાઈન કેમ્પ તાત્કાલિક જાહેર કરવા અને જ્યાં વેઈટીંગ છે ત્યાં ઑફલાઈન કેમ્પ જાહેર કરવામાં આવે તથા ભરતી પહેલાં જિલ્લાફેર કેમ્પો પૂર્ણ કરવામાં આવે તેવી રાજ્યસંઘ દ્વારા માંગ કરવામાં આવી હોવાનું રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા તથા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા અને મહામંત્રી કેરણાભાઈ આહીરની યાદીમાં જણાવાયું છે.