
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૨૪ ઓક્ટોબર : તા. ૨૩/૧૦/૨૦૨૪ના રોજ યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં રાજ્યના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓને એવી સૂચના આપવામાં આવેલ છે કે e kycની કામગીરી તા.૨૬/૧૦/૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. જે શાળામાં કામગીરી ૧૦૦% પૂર્ણ ન થઈ હોય તેવી શાળાના શિક્ષકોને દિવાળી વેકેશન મળવાપાત્ર રહેશે નહીં. સૂચનાના પગલે રાજ્યના કેટલાક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ દ્વારા પરિપત્રો પણ બહાર પાડવામાં આવ્યા છે અને શિક્ષકોને વેકેશન પહેલા કામગીરી પૂર્ણ કર્યા બાદ જ હેડ ક્વાર્ટર છોડવા સૂચના આપવામાં આવી છે. આ બાબતે શિક્ષકોમાં ગણગણાટ વ્યાપ્યો છે. શિક્ષકો અને વિવિધ જિલ્લા સંઘો મારફતે રાજ્યસંઘ પાસે રજૂઆત આવતા આ અંગે રાજ્યસંઘે વિરોધ નોંધાવ્યો છે. વેકેશન એ શિક્ષકનો અધિકાર છે. RTE એક્ટ મુજબ માત્ર આપાતકાલીન પરિસ્થિતિ અને ચૂંટણી સિવાય શિક્ષકોને વેકેશન ભોગવતા અટકાવી શકાય નહી. e kyc એ શિક્ષકોનું કામ નથી અન્ય વિભાગનું કામ છે. જેમાં શિક્ષકોએ સહયોગી બનવાનું હોય કે વાલીઓને માર્ગદર્શિત કરવાના હોય છે ત્યારે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના નામે શિક્ષકોને અન્યાય થાય કે દિવાળી વેકેશન ભોગવતા અટકાવવામાં આવે તે યોગ્ય નથી. એકબાજુ ગુજરાત સરકાર કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં સળંગ રજાઓ મળે તે માટે વધારાની રજા જાહેર કરે છે ત્યારે બીજી બાજુ e kycના નામે શિક્ષકોને વેકેશન ભોગવતા અટકાવવામાં આવે છે. આ કામગીરી શિક્ષકો કરે જ છે પરંતુ સર્વર ડાઉન તેમજ ટેકનીકલ સમસ્યાઓના કારણોસર કામગીરી વિલંબમાં પડેલ હોઈ શિક્ષકોને વેકેશન ભોગવતા અટકાવવામાં ન આવે તે મુજબની સૂચના આપવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલ દ્વારા શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાનસેરિયા ઉપરાંત શિક્ષણ સચિવ અને નિયામક સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ વિલાસબા જાડેજા અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા તથા મંત્રી કેરણા આહીરની યાદીમાં જણાવાયું છે.


