વિદેશથી MBBS પાસ થઈને આવેલા ડોક્ટર્સ માત્ર MBBS જ લખે : ગુજરાત મેડિકલ કાઉન્સિલ
ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા એલોપેથિક ડોક્ટર્સ માટે એક જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. જેથી હવે વિદેશમાં MBBS પાસ કરીને ગુજરાત આવેલા ડોક્ટર્સે પોતે M.D. “PHYSICIAN” અથવા ‘ડોક્ટર ઓફ મેડિસિન’ નહીં દર્શાવી કે લખી શકે. તેમને ફરજિયાત MBBS જ લખવાનું રહેશે. જો નિયમનો ભંગ કરાશે તો તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાની સુધીના એક્શન લેવાશે. ભારત દેશ બહાર MBBS પાસ થઈને આવતા કેટલાક ડોકટર્સ (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસ (FMGs)) કે જે ભારત દેશની M.B.B.S. લાયકાતને સમકક્ષ ડિગ્રી ધરાવતા હોવા છતાં પોતે M.D. “PHYSICIAN” અથવા Doctor of Medicine લાયકાતધારક હોવાનું દર્શાવી/લખી જાહેર જનતાને ગેરમાર્ગે દોરતા હોય છે, તો આવા તમામ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ (FMGs) એ તેઓના પ્રિસ્ક્રીપ્શન, વીઝીટીંગ કાર્ડ, લેટર પેડ, સાઈન બોર્ડ, રબર સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે જેવી તમામ જગ્યાઓ પર ફક્ત M.B.B.S. જ લખવાનું રહેશે અન્યથા તેમના વિરૂદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા તમામ એલોપેથિક ડોક્ટરોએ તેઓના પ્રિસ્ક્રીપ્શન, લેટર પેડ/ રબર સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે પર તેઓને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ લાયસન્સ નંબર ફરજિયાતપણે દર્શાવવાનો રહેશે અન્યથા તેમના વિરૂદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ એલોપેથિક ડોક્ટરોએ ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા સારું ગુજરાત મેડિકલ કાઉન્સિલમાંથી લાયસન્સ લેવું ફરજિયાત છે. અન્ય રાજ્યનું કે MCI/NMCનું રજીસ્ટ્રેશન/લાયસન્સ હોય છતાં ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન/ લાયસન્સ લેવું ફરજિયાત છે અન્યથા તેમના વિરૂદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત મેડિકલ કાઉન્સિલના ધ્યાન પર આવેલ છે કે ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા કેટલાક સ્પેશ્યાલિસ્ટ/ સુપર-સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો ગુજરાત મેડિકલ કાઉન્સિલનું ફક્ત MBBSનું જ રજીસ્ટ્રેશન/ લાયસન્સ ધરાવે છે પરંતુ તેમની પોસ્ટ ગ્રેજ્યુએટ MD/ MS જેવી સ્પેશ્યાલીટી કે MCH/ DM જેવી સુપર સ્પેશ્યલિટી ડિગ્રીનું રજીસ્ટ્રેશન/ લાયસન્સ લીધેલ નથી, તો આવા ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને તેઓની MCI/ NMC દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ સ્પેશ્યાલીટી કે સુપર સ્પેશ્યાલીટી ડિગ્રીનું લાયસન્સ/ રજીસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કરાવવું આવશ્યક હોઈ સત્વરે કરાવી લેવા જણાવવામાં આવે છે અન્યથા તેમના વિરૂદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.





