“ઉજળા અવસરની વર્ષાંતે સ્મરણાંજલી” ભારતની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો ‘‘આહિરાણી મહારાસનો અવસર”

યુગઋષિ પંડિતશ્રી રામશર્મા આચાર્યજીએ કહયું છે કે “શુભકાર્યો માટે-અવસરની રાહ ન જુઓ, આજનો અવસર જ સર્વોતમ છે. “આ ઉકિતને ચરિતાર્થ કરતો મહત્વપૂર્ણ પ્રસંગ ભગવાન દ્વારકાધીશની પ્રાચીન સુર્વગનગરી દ્વારકા ખાતે આજથી એક વર્ષ પહેલા તા.૨૪ ડિસેમ્બર-૨૦૨૩નાં રોજ “આહિરાણી મહારાસ”ના નામાભિધાન સ્વરૂપમાં ૩૭,૦૦૦ હજાર બહેનોના માધ્યમ દ્વારા, ઉર્જાસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો.
જગત મંદિરના સાનિધ્યમાં ભગવાન શ્રીકૃષ્ણની સૂક્ષ્મ દેહ / ભાવ દેહનાં રૂપમાં ઉપસ્થિતિ સાથે ૩૭,૦૦૦ હજાર આહિરાણીઓએ ખૂબ જ પવિત્ર, દિવ્ય અને તેજોમય વાતાવરણમાં ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણમાં સર્મપિત થઈને નિષ્કામ ગોપીભાવે મહારાસ અર્પણ કર્યો હતો.
ભકિત, ભકત (ગોપીઓ) અને ભગવાનની ભાવ ચર્ચા જયાં ક્યાંય પણ કોઈ પણ રૂપમાં, જે કોઈના દ્વારા થાય છે, ત્યાં આપોઆપ જ મન અંત:કરણ શાંતિ સુધારસનો અનુભવ કરવા
લાગે છે. તૃપ્તિ, તૃષ્ટિ અને શાંતિનો જેવો અનુભવ ત્યાં થાય છે, તેવો ક્યાંય પણ કોઈને પણ થતો નથી. ભાવોનું સરોવર એક એવું સરોવર છે, જ્યાં બધાને ડૂબતા જ રહેવાનુ મન થાય છે. પ્રાચીન નગરી દ્વારકાની સુપાવન ધરાનાં સાનિધ્યમાં કંઈક આવો જ અનુભવ ત્યારે ત્યાં હાજર સૌ કોઈ કરી રહ્યા હતા.
નારી પ્રકૃતિની દિકરી છે, સૃષ્ટિની પરમ સૌંદર્યમયી સર્વશ્રેષ્ઠ કૃતિ છે. તેના આત્મામાં ભાવમય દિવ્યપ્રેમની કળી ખીલે છેઅને તે “આહિરાણી મહારાસ” નામાભિધાન સાથે સમગ્ર વાતાવરણને સુરભીત કરે છે. તેથી જ “મહાન ઋષિ મહર્ષિ રમણે” તેની આ ઉદારતા અને ઉદાતતાનું મૂલ્યાંકન કરતા કહ્યું છે કે “પતિ માટે ચરિત્ર, સંતાન માટે મમતા, સમાજ માટે શીલ, વિશ્વ માટે દયા અને જીવ માટે કરુણા ધરાવનાર મહાપ્રકૃતિનું નામ જ નારી છે…
સંસ્કૃતિ અને સભ્યતાનાં વિકાસપથનાં ઇતિહાસ પર નજર કરવાથી નારીની સર્જનાત્મક શક્તિ જ પરિલક્ષિત થાય છે. ઈશ્વરીય ઉદ્યાનને સુરમ્ય અને સુંદર બનાવવામાં વિભિન્ન રૂપોમાં આ શકિતનું જ યોગદાન રહયું છે.
આખી સૃષ્ટિની સુવ્યવસ્થા અને સુંદરતા નારી શકિતની જ અભિવ્યક્તિ છે. તેનો અનેરો અહેસાસ આ “આહિરાણી મહારાસ”નાં માધ્યમથી તા. ૨૪ ડિસેમ્બર-૨૦૨૩નાં રોજ સમગ્ર વિશ્વએ નિહાળ્યો હતો. સાથે એ સંદેશ પણઆપ્યો હતો કે વિશ્વની સંસ્કૃતિ અને સભ્યતાનું વર્તમાન -સ્વરૂપ નારીના અથક ત્યાગ અને બલિદાનનું જ પરિણામ છે. માતાનું શરીર અને સંસ્કાર પ્રાપ્ત કરીને બાળક સંસારમાં પ્રવેશ કરે છે અને પ્રગતિની દિશામાં આગળ વધે છે. તેનાં વિકાસમાં માતાના આત્મિક ક્ષેત્રમાં રહેલી ભકિત, શકિત અને સમૃદ્ધિ જોડાયેલી રહે છે.
વિવિધ પુરાણોમાં રાસલીલાનો આધિભૌતિક ભાવજોવા મળે છે. પરંતુ પદ્મ પુરાણમાં રાસલીલાનો આધિદૈવિક તથા આધ્યાભિમક ભાવ પણ મળે છે.
શ્રીકૃષ્ણની ચુંબકીય સ્વરૂપ શકિત, ચુંબકીય માયા શ્રી રાધાનાં સ્વરૂપમાં ઉપસ્થિત છે, આ રીતે કૃષ્ણ અવ્યમય પુરુષ, શ્રીરાધા પ્રકૃતિ તથા ગોપીઓનું શ્રુતિઓના રૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ બધો આધિદૈવિક ભાવ છે.
આ પુરાણમાં અન્ય સ્થાન પર ગોપીઓને યોગિની, યમુનાને અમૃતવાહિની સુષુમ્ણા, શ્રીકૃષ્ણને સર્વવ્યાપકપરમાત્મા તથા વૃંદાવનને લૌકિક નેત્રોનું અગોચર તેજોમય સ્થાન વર્ણિત કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક ભાવ છે.
ભગવાન શ્રીકૃષ્ણનાં પૌત્ર અને પ્રદ્યુમ્નનાં પુત્ર અનિરુધ્ધની પત્ની અને અસુરરાજ બાણાસુરની પુત્રી ઉષાદ્વારાદ્વાપર યુગમાં આજથી પાંચ હજાર વર્ષો પહેલાં દ્વારકાનગરીમાં શ્રીકૃષ્ણ અને બલરામજીની ઉપસ્થિતિમાં એક સમારોહમાં ઉષાનાં નેતૃત્વમાં આહિરાણીઓ દ્વારા (આહિરાણીઓ – યાદવરાણીઓ) મહારાસ યોજવામાં આવ્યો હતો. તે પ્રસંગની યાદમાં ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત આ મહારાસનું બહેનો દ્વારા સ્વયંભૂરીતે આયોજન કરવામાં આવ્યું હતું.
સાપ્રંત સમયમાં સમગ્ર વિશ્વ જ્યારે વિવિધ સમસ્યાઓથી પિડિત છે ત્યારે આ મહારાસ સકારાત્મકતા, સદ્પ્રવૃત્તિઓ અને સદ્ ભાવનાઓનીસરવાણી વહાવી સામૂહિક એકતાના માધ્યમથી પોતાના રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહરના મહિમાની, વિશ્વ સમક્ષ સકારાત્મકતા સાથે આગળ વધવાનો સંદેશ આપે છે. આ રાસની દિવ્યતા અને ભવ્યતામાં યુગપરિવર્તનની ઝાંખી દષ્ટિગોચર થાય છે અને તે એ બતાવે છે કે આવનારો સમય અને યુગ રચનાત્મક અભિગમ સાથે નારી જાગરણ અને સ્ત્રી સશકિતકરણનો છે.
આયર, આહીર, અહીર, આભીર અને યાદવ આ તમામ નામો દ્વાપરયુગથી આજ પર્યંત અલગ અલગ સ્થળોએ, અલગ અલગ સમયે ઉપયોગમાં લેવામાં આવ્યા છે. ગુજરાતમાં આહીરોની વસ્તી ખૂબ જ મોટી સંખ્યામાં છે. તે મોટાભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં જોવા મળે છે. પરંતુ ધંધા – રોજગાર-નોકરીઓ માટે સ્થળાંતરિત થઈને ગુજરાતથી લઈને દેશ-વિદેશમાં પણ સ્થાયી થયેલાં જોવા મળે છે.
ભારતીય સંસ્કૃતિમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો માનવજીવનની સાંસ્કૃતિક ધરોહર, વ્યવહારિક નીતિ-રીતિ- અને ગતિવિધિઓનાં વિવિધ વિષયો પર વિશદ પ્રકાશ પાડે છે.આ બન્ને મહાકાવ્યોનાં મહાનાયકો અનુક્રમે શ્રીરામ અને શ્રીકૃષ્ણ છે. ભગવાન વિષ્ણુનાં આ બન્ને અવતારોમાં તેઓએ ત્રેતાયુગમાં રઘુવંશમાં અને દ્વાપરયુગમાં યદુવંશમાં જન્મ ધારણ કરીને ભારતવર્ષને આસુરી અને અહંકારી શક્તિઓની પીડાથી મુકિત અપાવી ભૂમિનો (ઘરતી) ભાર ઉત્તાર્યો હતો.
એજ યદુવંશમાં મહારાજ યદુનાં સંતાનો (વંશજો) એટલે સૌરાષ્ટ્ર-કચ્છનાં આહીરો, જે મથુરાથી શ્રીકૃષ્ણજી અને શ્રીબલરામજી સાથે સૌરાષ્ટ્રમાં દ્વારકા ખાતે આવેલા હતા. ચંદ્રવંશી આહિરો ચંદ્રવંશી ક્ષત્રિયો છે. તેઓ મોટાભાગે ખેતીવાડી સાથે સંકળાયેલા ખેડૂતો છે. ખૂબ જ આંશિક રીતે કોઈ જગ્યાએ ખેતી સાથે પશુપાલન કરતાં જોવા મળે છે.
ખેડૂતો ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ જમીનદારો, જાગીરદારો, નાની એકાદગામની રિયાસતો તરીકે પણ અસ્તિત્વ ધરાવતાં હતા. જ્યારે ઉત્તર ભારતનાં રાજ્યોમાં મોટાભાગે યાદવો કે અહીરો તરીકે ઓળખાય છે. નાની રિયાસતોથી માંડી મોટા રાજાશાહી રાજ્યો પણ યાદવો ધરાવતા હતા. હાલમાં સમગ્ર ભારતવર્ષના આહીરો, યાદવોને જોડતી “અખિલ ભારત યાદવ મહાસભા”કાર્યરત છે. તેનાં અધિવેશનો દરવર્ષે ભારતવર્ષનાં જુદાજુદા રાજ્યોમાં આયોજિત
થાય છે. જેમાં સમગ્ર આહીર-યાદવ સમાજના સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિકવિકાસ અને એકતા માટે તથા રાષ્ટ્રહિતની બાબતોને સર્વોપરી મહત્વ આપવા સાથે વિવિધ વિષયો પર વિશદ ચર્ચા થાય છે.
વફાદારી, શૂરવીરતા, ખાનદાની, ખુમારી, બહાદુરી, ઉદારતા, દાતારી, સમર્પણ અને આશરાધરમ જેવાં મહત્વપૂર્ણ ગુણો આ જાતિના લોહીમાં જોવા મળે છે. એને આનુષંગિક અનેક ઐતિહાસિક પ્રસંગો- ઘટનાઓ સૌરાષ્ટ્રની રસધાર અને સૌરાષ્ટ્રનાં ઈતિહાસમાં સાક્ષી છે અને એ જ આ સમાજની ઉજળી અને આગલી પરંપરા છે.
દ્વારકા ખાતે મહારાસનું આયોજન મોટાભાગે સ્વયંભૂ રીતે ઉભું થયું હોય તેવું દ્રષ્ટિગોચર થાય છે. કોઈ આગેવાન વગર ફકત બહેનોએ જ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા બનાવી તેને અમલમાં મૂકી હતી. આગેવાનશ્રીઓએ પરોક્ષ રીતે નેપથ્યમાં રહીને બહેનોને તમામ પ્રકારનો સહયોગ આપ્યો હતો.
વિશ્વકક્ષાનાં આ સાંસ્કૃતિક મહોત્સવમાં આયોજનમાં કોઈપણ વ્યક્તિ વિશેષનું નામ ન મૂકતા. આ સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધાભાવથી ભગવાન શ્રીદ્વારકાધીશનાં ચરણોમાં સર્મપિત કરી તેઓશ્રીની પરોક્ષ આગેવાનીમાં જ બહેનોને અગ્રતા આપી આગળ વધારી એક નવી ભાત ઉપસાવી હતી. જેથી આવો ઐતિહાસિક અને અવિસ્મરણીય પ્રસંગ, ભારતની સાંસ્કૃતિક ધરોહરની અનમોલ ઝાંખીના રૂપમાં સમગ્ર વિશ્વએ નિહાળ્યો.





