Rajkot: પતિના ત્રાસ અને કુશંકા વચ્ચે સંઘર્ષ કરતી મહિલાની વ્હારે આવી ૧૮૧ અભયમ ટીમ

તા.૧૫/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટની ત્રણ ૧૮૧ અભયમ કાઉન્સેલિંગ ટીમો પીડિત પરિવારોમાં સમાધાન કરાવી સંસાર બચાવી રહી છે
Rajkot: રાજકોટમાં એક વખત ફરી મહિલા હેલ્પલાઇન ૧૮૧એ તૂટી રહેલા પરિવારને બચાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલમાં એક પીડિત બહેને મહિલા હેલ્પલાઇન પર કોલ કરી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી કે, ‘મારો પતિ વારંવાર શંકા રાખી માનસિક તેમજ શારીરિક હેરાનગતિ કરે છે. મને ન્યાય અપાવો.’
માહિતી મળતા જ ૧૮૧ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર બીનાબેન તેમની ટીમ સાથે તાત્કાલિક અસરથી પીડિત બહેનની મદદ માટે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચી ટીમ દ્વારા પીડિત બહેનનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બહેને જણાવ્યું હતું કે, તેના લગ્નને અંદાજે ચાર વર્ષ થયા છે અને તેમણે પ્રેમલગ્ન પરિવારની મરજી વિરુદ્ધ કર્યા હતા. દંપતીને બે નાના બાળકો છે, જેથી પરિવારનું ગુજરાન ચલાવવા તેઓ પતિની સાથોસાથ ઘરકામ કરી મદદરૂપ બનતા હતા.
બીનાબેને જણાવ્યું કે, પીડિતા બહેન કામ પર જાય ત્યારે નાના બાળકોને સાથે રાખીને જતા. થોડા સમય પહેલા પડોસમાં ઘરકામ માટે ગયેલા પીડિતાએ બાળકો રમતા-રમતા ઘરની બહાર ના જતા રહે તે માટે પાડોશીને ઘરનો દરવાજો બંધ રાખવા કહ્યું હતું. આ બાબતે પતિને જાણ થતા પતિએ શંકા કરવાનું ચાલુ કર્યું હતું. શંકાખોર પતિએ આ સામાન્ય વાતને પણ ગેરઅર્થમાં લઈ પત્ની પર આક્ષેપો કર્યા હતા.
પીડિતાનો પતિ વારંવાર પત્ની પર શંકા રાખી ઝઘડા કરતો અને હાથ પણ ઉઠાવતો હતો. પડોશીઓ દ્વારા પણ પતિને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો, છતાં પતિ પોતાના વર્તનમાં ફેરફાર લાવતો નહોતો. પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી આખરે પીડિતાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સહારો લીધો હતો.
૧૮૧ ટીમ દ્વારા પતિને કડક શબ્દોમાં સમજાવવામાં આવ્યો હતો કે, પત્ની પર બિનપાયાદાર શંકા રાખવી અને તેના પર હાથ ઉઠાવવો કાયદેસર ગુનો છે. ટીમે બહેનને જરૂર પડે તો આશ્રય અને સુરક્ષા અંગે પણ હૈયાધારણા પાઠવી હતી.
ટીમની સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની અને બાળકો પ્રત્યે પોતાની ફરજો નિભાવવાની ખાતરી આપી હતી. સાથોસાથ ભવિષ્યમાં પત્ની પર શંકા નહીં કરે અને કોઈ પ્રકારની હેરાનગતિ નહીં પહોંચાડે તેવી બાહેધરી આપી હતી. પતિ સમજી જતાં ગૃહસંસારમાં પુનઃ શાંતિ સ્થપાતા પીડિત બહેને ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
૧૮૧ અભયમના બીનાબેને જણાવ્યું છે કે, રાજકોટમાં અભયમની ત્રણ ટીમ કાર્યરત છે. પીડિત મહિલાઓને મદદરૂપ બનવા તેઓ મોટે ભાગે સમજાવટથી પ્રશ્નોના સમાધાન દ્વારા સંસારમાં શાંતિ સ્થાપવાનું સન્માનીય કાર્ય કરે છે. વધુમાં જરૂર પડ્યે કોઈપણ પીડિત મહિલા ૧૮૧નો સંપર્ક સાધી શકે છે.




