RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પ્રી-મોન્સૂન પ્રિપેર્ડનેસ: સરકારી ગોડાઉનોમાં અનાજનો ત્રણ મહિનાનો સ્ટોક રાખવા તમામ તાલુકાઓના મામલતદારોને સૂચના

તા.૧૫/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન – હેમાલી ભટ્ટ

ચોમાસા પૂર્વે જ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા આગોતરું આયોજન

અતિવૃષ્ટિની સ્થિતિમાં અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા કરવા આયોજન

Rajkot: આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘પ્રી-મોન્સૂન પ્રિપેર્ડનેસ’ (ચોમાસા પૂર્વની તૈયારીઓ) અંગેના આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની સૂચના મુજબ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ. એસ. ઝાંપડા દ્વારા તમામ મામલતદારોને સૂચના આપી દેવામાં આવી છે કે વાવાઝોડું, અતિવૃષ્ટિ કે ભારે પૂર જેવી કુદરતી આપત્તિના સમયે પણ નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અવિરત મળતો રહે તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે. ઉપરાંત નીચાણવાળા અને સંપર્ક વિહોણા બની શકે તેવા સંભવિત વિસ્તારોની વાજબી ભાવની દુકાનો પર ચોમાસા પહેલા જ અનાજનો પૂરતો જથ્થો પહોંચાડી દેવા તથા દરેક તાલુકાના ગોડાઉનમાં ઓછામાં ઓછા ત્રણ માસની જરૂરિયાત મુજબનો અનાજનો જથ્થો જળવાઈ રહે તેવું આયોજન કરવા જણાવાયું છે.

જો ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થાય, તો અસરગ્રસ્ત ગામો સુધી ડમ્પર અથવા હાઈ-ચેસીસ વાહનો દ્વારા પુરવઠો પહોંચાડવા માટે ડ્રાઈવરો અને વાહનોની યાદી તૈયાર રાખવા મામલતદારોને સૂચના અપાઈ છે.

આપત્તિ સમયે અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા તેમજ જિલ્લા અને તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સતત સંકલનમાં રહેવા જણાવાયું છે. તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો અનામત જથ્થો રાખવા અને ગેસ એજન્સીઓને ગેસ સિલિન્ડરનો બાકી રહેલ બેકલોગ શૂન્ય કરી સમયસર વિતરણ કરવા આદેશ અપાયા છે.

આમ, ચોમાસા દરમિયાન વાવાઝોડાં કે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં પણ જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાય નહીં તે માટેની તમામ તૈયારીઓ આરંભી દેવાઈ છે. જિલ્લાનો કોઈપણ નાગરિક, ખાસ કરીને અંતરિયાળ કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો, આપત્તિના સમયે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી વંચિત ન રહે તે હેતુથી તમામ મામલતદારોને તાલુકાનો વિગતવાર એક્શન પ્લાન બનાવવા પણ સૂચના આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!