ગુજરાતમાં PM પોષણ (મધ્યાહન ભોજન) યોજનાના કર્મચારીઓનું શોષણ થતું અટકાવવા રજુઆત.
તારીખ ૨૩/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
દેશમાં ૧૯૮૪ થી પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને એક ટાઇમ ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી જે “મધ્યાહન ભોજન યોજના” તરીકે અમલમાં મૂકવામાં આવી. આ યોજના અંતર્ગત બાળકોને બપોરના સમયે શુદ્ધ, સાત્વિક, પૌષ્ટિક ગરમ રાંધેલો ખોરાક આપવામાં આવે છે. હાલ આ યોજના વર્ષ ૨૦૨૧ થી પીએમ પોષણ યોજના તરીકે ઓળખાય છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ના ૬૦% તથા રાજ્ય સરકાર ના ૪૦% સહાયિત છે.ગુજરાતમાં પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકો આ મધ્યાહન ભોજનનો લાભ લઈ રહ્યા છે. તાજેતરમાં બપોર પછી ચાર વાગ્યે નાસ્તો આપવાની શરૂઆત પણ કરવામાં આવી છે જેનો હેતુ કુપોષણ દુર કરવા અને બાળકોના શારીરિક,માનસિક વિકાસનો પણ છે.સરકારની આટલી સારી યોજનાનું સફળ સંચાલન અને સારી દેખભાળ હેઠળ થાય તે માટે દરેક શાળા કક્ષાએ મધ્યાહન ભોજન સંચાલક, રસોઇયા અને મદદનીશ એમ કર્મચારીઓ હોય છે અને તેઓ સંપૂર્ણ જવાબદારી હેઠળ કામ કરતા હોય છે. પરંતુ સરકાર દ્વારા આ કર્મચારીઓનું ભરપુર શોષણ કરવામાં આવી રહ્યું છે.સવારના ૧૧ થી બપોરના ૫ વાગ્યા સુધી લગભગ ૬ કલાક જેટલો સમય આ કર્મચારીઓ આપે છે અને બાળકોના ભોજન જેવી ખુબ મોટી અને મહત્વની જવાબદારી દરરોજ નિભાવે છે. તેના બદલામાં સરકાર દ્વારા ખુબ નાની રકમ, સામાન્ય વેતન આપવામાં આવે છે. પહેલેથી જ સંચાલક ને માસિક રુ.૩૦૦૦/રસોઇયા ને રુ.૨૫૦૦/ તથા મદદનીશ ને રુ. ૧૦૦૦/ જેટલું વેતન પગાર આપવામાં આવે છે. દરરોજ ૬ કલાક આપતા કર્મચારીઓને ૧૦૦૦ થી ૩૦૦૦ રુપિયા પગાર આપવામાં આવે તે મજાક છે અને ભરપુર શોષણ કરવાનો દાખલો છે.આ શોષણ થતું અટકાવવા માટે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ સહમંત્રી દિનેશ બારીઆએ આજે સરકારમાં લેખિત રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે, પ્રાઇવેટ સેક્ટર કે કંપનીઓમાં કામ કરતા કુશળ કે અર્ધ કુશળ કામદારો માટે પણ મિનિમમ વેતનનો કાયદો છે અને તેઓને દૈનિક મિનિમમ વેતન આપવામાં આવે તે માટે ધ્યાન રખાય છે ત્યારે સરકારની સીધી દેખરેખ હેઠળ આ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દૈનિક ૬ કલાક કામ કરે છે, જવાબદારી સંભાળે છે ત્યારે આટલું ઓછું વેતન શા માટે ? કર્મચારીઓનું શોષણ કરવું એ સરકાર નો અધિકાર નથી. સરકાર એ એક વ્યવસ્થાનો ભાગ છે. તેનું કાર્ય લોકો અને સમાજ ના સુવિધા, સુરક્ષા અને વિકાસ કરવા માટેનું હોય છે તે ભૂલવું ન જોઈએ. દિવસમાં ૬ કલાક જેટલો સમય આપવા છતાં ૩૦૦૦ જેટલો માસિક પગાર/વેતન આજની મોંઘવારીના સમયમાં સરકાર દ્વારા આપવામાં આવે તે સરકાર માટે શરમની વાત છે અને એક રીતે આર્થિક શોષણ કરવાનું કૃત્ય, અપરાધ છે. આ શોષણ આર્થિક, શારીરિક અને માનસિક પણ છે તેને અટકાવવું જોઇએ તેથી આજ રોજ સમગ્ર ગુજરાતના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનું શોષણ થતું અટકાવવા ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને કમિશનરશ્રીને રજુઆત કરવામાં આવી છે. અને માંગ કરી છે કે કર્મચારીઓના કામના કલાકો ને ધ્યાનમાં રાખીને ઉચિત વેતન આપવામાં આવે. આ રજુઆત ઉપર સરકાર ચોક્કસ ધ્યાન આપશે અને લાખો કર્મચારીઓના હિત માટે ઉચિત વેતન વધારો કરશે તેવો વિશ્વાસ છે તેમ જણાવ્યું છે.