ભરૂચમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, એશ્વર્યા બંગ્લોઝના શોપિંગમાં ચાલતા દેહવ્યાપારમાં એકની ધરપકડ, બે આરોપી ફરાર


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલા એશ્વર્યા બંગ્લોઝ શોપિંગ કોમ્પ્લેક્સમાં સ્પા અને મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. એ ડિવિઝન પોલીસે ગોલ્ડન ફેમિલી સ્પામાં દરોડો પાડી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે દુકાન નંબર 110માં સ્પા અને મસાજની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ માહિતીની ખરાઈ કરી હતી, જેમાં સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે દરોડા દરમિયાન વાસુદેવ વક્તારામ ધનાજી દવેની ધરપકડ કરી છે. જ્યારે સ્પાના સંચાલક દેવેન્દ્ર ભીખાભાઈ વાળંદ અને વિપુલ ઉર્ફે ગબ્બર ફરાર થઈ ગયા છે. પોલીસે બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ કેસમાં ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4, 5 અને 7 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રેકેટ લાંબા સમયથી ચાલતું હતું અને સ્પા તથા મસાજની આડમાં યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. પોલીસે હવે ફરાર આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી છે અને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.




