ભરૂચમાં નશા વિરોધી અભિયાન:29 ટીમો દ્વારા શાળા-કોલેજ નજીક તમાકુ વેચાણ પર તવાઈ, 3 લાખથી વધુનો દંડ વસૂલ



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા પોલીસે મોટું અભિયાન હાથ ધર્યું છે. એસપી મયુર ચાવડાના આદેશ મુજબ જિલ્લામાં વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. ભરૂચ શહેર ડીવાયએસપી સી.કે.પટેલના જણાવ્યા મુજબ, જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના 29 પોલીસ અધિકારી અને 145 પોલીસ કર્મચારીઓની કુલ 29 ટીમો બનાવવામાં આવી. આ ટીમોએ શાળા-કોલેજો નજીક નશાકારક દ્રવ્યોના વેચાણ પર નજર રાખી અસરકારક કામગીરી કરી.
અભિયાન દરમિયાન કોલેજ અને હાઇસ્કુલના મુખ્ય ગેટને અડચણરૂપ લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા. શાળા-કોલેજોની નજીકના ક્રાઇટ એરિયામાં આવેલા પાન-બીડીના ગલ્લા પરથી બીડી, સિગારેટ અને ગુટખા જેવી તમાકુ પ્રોડક્ટ્સનું વેચાણ મળી આવ્યું. વેપારીઓ પાસેથી ટોબેકો એક્ટ હેઠળ રૂપિયા ત્રણ લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો. પોલીસે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને છેડતીના બનાવો ન બને તે માટે પણ તકેદારીના ભાગરૂપે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે.




