અંકલેશ્વર GIDCમાં ફરી આગની ઘટના:GLINDIA કંપનીમાં આગ લગતા બે કંપનીઓના પ્લાન્ટમાં કરોડોનું નુકસાન

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી GLINDIA કેમિકલ કંપનીમાં આજે બપોરે અચાનક આગ લાગી હતી. રસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લગભગ 4 કલાકની જહેમત બાદ 10 ફાયર ટેન્ડર દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની ગ્લીન્ડિયા (GLINDIA) કેમિકલ્સમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કંપની સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી,જોકે જોત જોતામાં કંપનીમાં જ્વલનશીલ પદાર્થો આગના સંપર્કમાં આવતા આગ વધુ વિકરાળ બની હતી,અને વાતાવરણમાં આગના ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં આ બનાવથી ચિંતાનો માહોલ સર્જાયો છે. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર DPMCના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. 10 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. આગ વધુ ન ફેલાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.
ઘટના અંગેની જાણ નોટીફાઈડ એરિયા ઓથોરીટીનાં ડીપીએમસી અગ્નિશમન કેન્દ્રમાં કરવામાં આવતા ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી ગયા હતા પરંતુ આગ બેકાબુ બનતા ભરૂચ નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકા, પાનોલી ફાયર વિભાગ, ઝઘડિયા ફાયર વિભાગ અને ખાનગી કંપનીના ફાયર ફાઈટરને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા.કંપની પાસે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા બાદ કંપનીમાં આગ ફેલાઈ હતી. આગ એટલી ભયાનક હતી કે આસપાસની અન્ય બે કંપનીઓના પ્લાન્ટમાં પણ નુકસાન થયું હતું. કંપનીમાં રહેલ સોલ્વન્ટના જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ અંગેની જાણ થતા જ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ જીઆઇડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ કંપની પર પહોંચી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.લગભગ 4 કલાકની જહેમત બાદ 10 ફાયર ટેન્ડર દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.




