BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વાહનચાલકોના જીવના માથે જોખમ:જંબુસરના મગણાદ પાસે ઢાઢર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત

સમીર પટેલ, ભરૂચ

જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પર આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત બની જતાં હજારો વાહનચાલકોના માથે ખતરો ઉભો થયો છે. ભરૂચ અને જંબુસર વચ્ચે રોજના હજારો વાહનો આ બ્રિજનો ઉપયોગ કરી રહયાં છે ત્યારે જાનહાનિનો ભય સેવાઇ રહયો છે. બ્રિજ જર્જરીત હોવાથી મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારીનો અનુભવ થઇ રહયો છે. જંબુસરથી ભરૂચ જતો ધોરીમાર્ગ જે સૌરાષ્ટ્ર થી દક્ષિણ ભારત તરફ જતો વાહનોની અવરજવર માટેનો મુખ્ય માર્ગ છે.
આ રસ્તા ઉપરથી અસંખ્ય વાહનો અવરજવર કરે છે. આ પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે અને પુલ ઉપર તિરાડો પડી ગઈ છે અને સળિયા પણ દેખાય છે. વાહન ચાલકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થઇ રહયાં છે. ટ્રક સહિતના ભારદારી વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય છે. પુલમાં પડેલી તિરાડોના લીધે અકસ્માત થવાનો પણ ભય વધી ગયો છે. તંત્ર તરફથી પુલના રીપેરિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
આ ટેન્ડરના ભાવ ઓછા હોવાથી કોઇ કોન્ટ્રાકટર કામગીરી માટે તૈયાર નહિ હોવાની વિગતો સામે આવી છે. જો વહેલી તકે બ્રિજનું રીપેરિંગ કરવામાં નહિ આવે તો મોરબી જેવી હોનારત થવાનો ખતરો રહેલો છે. જંબુસરના માજી ધારાસભ્ય સંજય સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદ રણા અને નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ બ્રિજની મુલાકાત લીધી હતી. ચોમાસા પહેલાં બ્રિજનું રીપેરિંગ કરવામાં આવે તેવી માગણી આગેવાનોએ કરી છે.

Back to top button
error: Content is protected !!