અંકલેશ્વરમાં ધર્માંતરણનો વિવાદ:ગડખોલ ગામના જનતાનગર વિસ્તારમાં મુંબઈના પાદરી સામે VHPનો વિરોધ, પોલીસ તપાસ શરૂ


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના ગડખોલ ગામના જનતાનગર વિસ્તારમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો વિવાદ સામે આવ્યો છે. યોગેન્દ્ર મથુરારામના ઘરે મુંબઈના પાદરી ફિલિપ જોન અને ભરૂચના પાદરી રાજન પુંજાપી દ્વારા ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના યોજવામાં આવી હતી.
આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રચારક પ્રમુખ ધનંજય પટેલ અને તેમના સાથી કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા. VHPએ આરોપ મૂક્યો કે પાદરીઓ લોભ-લાલચ આપીને હિન્દુઓનું ધર્માંતરણ કરાવી રહ્યા છે. તેમના મતે, યોગેન્દ્ર મથુરારામના ઘરમાં પ્રાર્થનાનું આયોજન કરી આસપાસના લોકોને બોલાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તમામ લોકોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. VHPએ ધર્માંતરણ અંગે રજૂઆત કરી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.




