
નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાર્યશાળા યોજાઈ, જૂની પેન્શન યોજના ફોર્મ સંબંધિત માર્ગદર્શન અપાયું
રાજપીપળા : જુનેદ ખત્રી
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર મુજબ તારીખ 01/04/2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના OPSમાં સમાવેશ કરવા માટેનો વિગતવાર પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજરોજ તાલુકા પંચાયત નાંદોદ ખાતે નાંદોદ તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી નાંદોદ અને નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આજરોજ એક માર્ગદર્શક શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં શિક્ષકોને ફોર્મ ભરવા માટે જરૂરી માહિતી અને સાથે જોડવાના ડોક્યુમેન્ટ વિશે તાલુકા સંઘના મહામંત્રી અનિલભાઇ વસાવા દ્રારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે જૂની પેન્શન યોજના ચાલુ કરવાની લડતમાં વર્ષોથી લડતમાં સતત સામેલ થનાર નાંદોદ તાલુકાના 10 જેટલા શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઈ ભગત, નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુનિલભાઈ ચાવડા દ્રારા OPS માટે કરેલા આંદોલન વિશે વાત કરી હતી. જિલ્લા સંઘના પ્રમુખ સુરેશભાઈ ભગત અને મહામંત્રી ફતેસિંહભાઈ વસાવાનું પણ શિક્ષકો માટે લડત ચલાવીને જૂની પેન્શન યોજનામાં સમાવિષ્ટ કરવા બદલ સ્વાગત અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુનિલભાઈ ચાવડા અને મહામંત્રી અનિલભાઈ વસાવા દ્વારા કરવામા આવ્યું હતું





