અંકલેશ્વર-હાંસોટમાં કેરીનો પાક બરબાદ:કમોસમી વરસાદ અને પવનથી આંબા પરથી કેરી ખરી પડી, ખેડૂતોને મોટું નુકસાન

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ વિસ્તારમાં ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વિસ્તારમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને કમોસમી વરસાદ પડ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના જૂના દીવા, ભડકોદ્રા, ધનતુરીયા, સજોદ તેમજ ઇલાવ, સાહોલ અને સુણેવ સહિતના ગામોમાં આંબાવાડીઓને મોટું નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે.
આ સમયે કેરી ઉતારીને માર્કેટમાં વેચવાનો સીઝન ચાલી રહ્યો છે. કેરીઓના ખરી પડવાથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. આ અસરને કારણે બજારમાં કેરીના ભાવ ગગડ્યા છે અને ગુણવત્તા પર પણ અસર પડી છે. આંબાવાડીમાં કેરી ખરીદવા આવતા લોકો નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે.
સમગ્ર રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. કેરી ઉપરાંત ડાંગરના પાકને પણ નુકસાન થયું છે. આ નુકસાનને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.



