GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ડાક વિભાગ દ્વારા ‘લેખનનો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્વ’ વિષય પર રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધા યોજાઈ

તા.૧૫/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાના વિજેતાને રાજકોટ પોસ્ટમાસ્ટર જનરલ દ્વારા સન્માનિત કરાયા

ડિજિટલ યુગમાં યુવાનોમાં પત્રલેખનની પરંપરાને જીવંત રાખવી જરૂરી છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ

Rajkot: ભારતીય ડાક વિભાગ દ્વારા આયોજિત ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિજેતાઓને ડાક વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા સન્માનિત કરાયા હતા.

પત્રો આપણા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે. કારણ કે, તે પોતાની સાથે યાદો, આત્મીયતા અને સંવેદના લઈને આવે છે. જે ટેક્સ્ટ સંદેશાઓ કે ઇ મેઇલ્સમાં જોવા મળતા નથી. આમ, ‘ઢાઈ આખર’ ઝુંબેશ ફક્ત પત્ર લખવાની કળાનો ઉત્સવ નથી, પરંતુ દેશભરના વ્યક્તિઓને અર્થપૂર્ણ અને હૃદયસ્પર્શી રીતે તેમના વિચારો, લાગણીઓ અને મંતવ્યો વ્યક્ત કરવાની તક પણ પૂરી પાડે છે તેમ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલશ્રી કૃષ્ણ કુમાર યાદવે અમરેલી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે જણાવ્યું હતુ.

ભારતીય ડાક વિભાગ દ્વારા આયોજિત ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધામાં લિફાફા શ્રેણીમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના વર્ગમાં અમરેલીના શ્રી જયકુમાર વાઈ. ગોલને સમગ્ર ગુજરાત પરિમંડલમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થતાં પોસ્ટમાસ્ટર જનરલે ૧૦ હજારનો ચેક અને પ્રમાણપત્ર સાથે સન્માનિત કર્યા હતા. વિજેતા જયકુમાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ., લાઠી ખાતે જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. આ અવસરે અમરેલી મંડળના અધિક્ષક શ્રી બી. એન. પટેલ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ડાક વિભાગ દ્વારા ‘લેખનનો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્વ’ વિષય પર આયોજિત ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધામાં ગુજરાત પરિમંડલના અંતરદેશીય પત્ર શ્રેણી (૧૮ વર્ષ સુધીના વર્ગ)માં સુરેન્દ્રનગરની વૈષ્ણવીબા બી. પરમારે પ્રથમ, હીરલ આર. ભૂસડિયાએ દ્વિતીય અને નડિયાદની કિંજલ એલ. બારિયાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ૧૮ વર્ષથી ઉપરના વર્ગમાં નવસારીની દિવ્યા સુરેશચંદ્ર પરમારે પ્રથમ, અમદાવાદના સલીમ હિંગોરાએ દ્વિતીય અને નવસારીની સાજી જોય ચક્કલિકલએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. લિફાફા શ્રેણીમાં ૧૮ વર્ષ સુધીના વય વર્ગના વિજેતાઓમાં ખેડાના ક્રિશા પી. કાછિયા પટેલ પ્રથમ, નવસારીની વિદ્યા પી. ધીમ્મર દ્વિતીય અને ખુશ્બુ એન. મિસ્ત્રીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જયારે ૧૮ વર્ષથી ઉપરની શ્રેણીમાં રાજકોટના સુરેન્દ્રસિંહ બૈરવાએ પ્રથમ, અમરેલીના જયકુમાર વાઈ. ગોલે દ્વિતીય અને ડાંગની વિભૂતિબેન જે. બિરારીએ તૃતીય સ્થાન મેળવ્યું.

Back to top button
error: Content is protected !!