RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં યોજાયો ભવ્ય ‘સર્વરોગ નિદાન કેમ્પ’: સેંકડો જરૂરિયાતમંદોને મળ્યું સ્વાસ્થ્યનું સુરક્ષા કવચ

તા.૧૪/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

શ્રી વિજયભાઈની વંચિતો પ્રત્યેની સંવેદના કેમ્પના માધ્યમથી આજેય જીવંત છે : મંત્રીશ્રી પ્રદ્યુમન વાજા

Rajkot: “માનવસેવા એ જ પ્રભુસેવા” એ માત્ર સૂત્ર નથી, પણ જ્યારે તે આચરણમાં મુકાય છે ત્યારે સમાજમાં એક અનોખી ચેતનાનો સંચાર થાય છે. આવો જ એક હૃદયસ્પર્શી માહોલ આજરોજ રાજકોટના રૈયારોડ સ્થિત ન્યુ એરા સ્કુલ ખાતે જોવા મળ્યો હતો. શ્રી વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) – રાજકોટના સંયુક્ત ઉપક્રમે ‘સર્વરોગ નિદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મંત્રીશ્રી પ્રદ્યુમન વાજા અને ટ્રસ્ટના ચેરમેન શ્રી અંજલિબેન રૂપાણીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવી હતી.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આજે સ્વ.વિજયભાઈ આપણી વચ્ચે સદેહે નથી, પરંતુ તેમની વંચિતો પ્રત્યેની સંવેદના આ કેમ્પના માધ્યમથી આજે પણ જીવંત છે. જ્યારે સમાજનો છેવાડાનો માણસ માંદગીના ખાટલે હોય અને તેને નિઃશુલ્ક સારવાર તેમજ દવાઓ મળે, ત્યારે તેના ચહેરા પર આવતો સંતોષ અને આંખોની ભીનાશ એ જ સાચી ઈશ્વર ભક્તિ છે. આ ભગીરથ કાર્ય બદલ હું સ્વ.વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને આઈ.એમ.એ.ની ટીમને હૃદયપૂર્વક બિરદાવું છું.

સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, રાજકોટની ધરતી સેવા માટે જાણીતી છે. માંદગી માત્ર શરીર નહીં, આખા પરિવારની આર્થિક કમર તોડી નાખે છે. એવા સમયે સ્વ. વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને રાજકોટના તબીબોએ ભેગા મળીને આ સેવાનો જે સેતુ બાંધ્યો છે, તે અનુકરણીય છે. લોકોના આશીર્વાદ જ આ સંસ્થાની સાચી મૂડી છે અને આ આશીર્વાદ ક્યારેય એળે નહીં જાય.

મેયરશ્રી નેહલ શુક્લએ શહેરના પ્રથમ નાગરિક તરીકે ગૌરવ વ્યક્ત કરતા કહ્યું હતું કે, એક જ છત નીચે આટલા બધા નિષ્ણાત ડોક્ટરો ભેગા થઈને જ્યારે કોઈ પણ સ્વાર્થ વગર લોકોની પીડા હરવાનું કામ કરે, ત્યારે આખું રાજકોટ ધન્યતા અનુભવે છે. રાજકોટ મ.ન.પા. પણ આવા સેવાકીય કાર્યોમાં હંમેશાં ખભેથી ખભા મિલાવીને ઊભી રહેશે. અંજલિબેન અને તેમની ટીમ જે રીતે સ્વ. વિજયભાઈના સેવાના વારસાને આગળ ધપાવી રહી છે, તે ખરેખર વંદનીય છે.

આ કેમ્પમાં ન્યૂરો-સ્પાઇન, યુરોલોજી-ગેસ્ટ્રોલોજી, જનરલ ફિઝિશિયન, એમ. ડી. ક્રિટિકલ કેર, તથા કાન, નાક અને ગળાના રોગો હાડકાં વિભાગના નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી.

આ પ્રસંગે ધારાસભ્યો સર્વે શ્રી, ભાનુબેન બાબરિયા, શ્રી ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, પૂર્વ મેયર શ્રી બીનાબેન આચાર્ય, અગ્રણી શ્રી ઋષભ રૂપાણી, શ્રી રાજેશ રૂપાણી, શ્રી મેહુલ રૂપાણી, શ્રી માધવભાઈ દવે, શ્રી ધનસુખભાઈ ભંડેરી, શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શ્રી જયમનભાઈ ઉપાધ્યાય સહિત ન્યુ એરા સ્કુલના સંચાલકો, આઈએમએના તમામ પદાધિકારીઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!