Rajkot: “૧૨ વર્ષ વિકાસનાં, વિશ્વાસનાં અને જનકલ્યાણનાં” રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૫મી જૂને ‘યાત્રી સુવિધા દિવસ’ ઊજવાશે

તા.૧૪/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
હવાઈ યાત્રીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરાશે
સામૂહિક ‘વંદે માતરમ’ ગાન, બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાશે
એવિએશન ક્ષેત્રે કાર્યરત “નારી શક્તિ” અને હાઉસકીપિંગ સ્ટાફનું સન્માન કરાશે
Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના શાસન કાળમાં દેશમાં હવાઈ ઉડ્ડયન અને માળખાકીય ક્ષેત્રમાં વ્યાપક વિકાસ થયો છે અને હવાઈ મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. હવાઈ ક્ષેત્રના આ વિકાસને ઉજાગર કરતા, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તેમના તમામ એરપોર્ટ પર ૧૫મી જૂને “યાત્રી સુવિધા દિવસ” ઉજવવામાં આવશે. જે અંતર્ગત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફથી મળેલી યાદીમાં જણાવાયા પ્રમાણે, ૧૫મી જૂને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ મુસાફરોનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવમાં આવશે. આ સાથે એરપોર્ટ પર વંદે માતરમનું સમૂહ ગાન, રક્તદાન કેમ્પ તેમજ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ પણ યોજવામાં આવશે. ઉપરાંત હવાઈ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ અને હાઉસકીપિંગ સ્ટાફનું સન્માન કરવામાં આવશે તેમજ એરાઇવલ હોલમાં ગુજરાતના લોકનૃત્ય એવા ગરબા પણ રમવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજકોટના હિરાસર પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જુલાઈ ૨૦૨૩માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે જ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ એરપોર્ટને ‘રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ નામ આપવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૩થી અહીં વાણિજ્યિક ફ્લાઇટ્સ શરૂ થતાં તમામ કામગીરી જૂના એરપોર્ટથી નવા ટર્મિનલ પર સ્થાનાંતરિત કરાઈ હતી. ફેબ્રુઆરી ૨૦૨૫થી અહીં નવું ટર્મિનલ બિલ્ડિંગ પણ કાર્યરત થઈ ગયું છે.
રાજકોટ એરપોર્ટની છેલ્લા ૧૨ વર્ષમાં થયેલી પ્રગતિ જોઈએ તો, જૂના એરપોર્ટ પર પીક અવર્સ દરમિયાન મુસાફરોની ક્ષમતા ૩૦૦ની હતી, જે હવે વધીને ૨૮૦૦ (૧૪૦૦ અરાઇવલ અને ૧૪૦૦ ડિપાર્ચર) થઈ ગઈ છે. આ ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક ૩૫ લાખ મુસાફરોના સંચાલનની ક્ષમતા ધરાવે છે. વર્ષ ૨૦૨૫માં પ્રથમ વખત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૦ લાખથી વધુ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી.
અગાઉ રાજકોટ માત્ર બે શહેરો સાથે જોડાયેલું હતું, જે હવે દેશના સાત શહેરો સાથે કનેક્ટ થયું છે.
આ ઉપરાંત અહી ‘અવસર’ (AVSAR) યોજના હેઠળ સ્વ-સહાય જૂથોને તક પૂરી પાડવામાં આવી છે. આ સાથે અહીં વાજબી દરે ખાદ્ય સામગ્રી પૂરી પાડતું ‘ઉડાન યાત્રી કેફે’ પણ કાર્યરત કરાયું છે.
હાલ કાર્ગો ટર્મિનલ માટે મોડિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં કાર્યરત થશે.
પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના ભાગરૂપે ગ્રીન એરપોર્ટની પહેલ અંતર્ગત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગને ‘GRIHA ૪’ રેટિંગ આપવામાં આવ્યું છે.
અહીં ૩૦૦ કે.એલ.ડી.નો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સ્થાપવામાં આવ્યો છે, જેનાથી ૧૦૦% વેસ્ટ વોટરનો ઉપયોગ ગાર્ડનિંગ અને ટોઇલેટ ફ્લશ માટે થાય છે. ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે ૧૦ રેઇન વોટર હાર્વેસ્ટિંગ પિટ્સ બનાવવામાં આવ્યા છે, જેનાથી સિંચાઈમાં પાણીનો વપરાશ ૫૧% કરતા વધુ ઘટ્યો છે.
ઊર્જા બચત માટે બિલ્ડિંગમાં ડબલ-ઇન્સ્યુલેટેડ રૂફિંગ, પેસિવ શેડિંગ અને લો-હીટ-ગેઈન ગ્લેઝિંગનો ઉપયોગ કરાયો છે જેથી એસીની જરૂરિયાત ઓછી રહે છે. એરપોર્ટ પર એલ.ઈ.ડી. લાઈટો અને ૨૬૬ કિલોવોટનો સોલાર પીવી પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે, જે બિલ્ડિંગની વાર્ષિક ઊર્જા જરૂરિયાતના ૧૦% કરતા વધુ હિસ્સો પૂરો પાડે છે.
અહીં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા માટે એરલાઇન્સને ત્રણ વર્ષ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેમાં વર્ષ ૨૦૨૬-૨૦૨૭માં યુઝર ડેવલપમેન્ટ ફી (UDF) સામાન્ય દરના ૧૦% વસૂલવામાં આવશે અને વર્ષ ૨૦૨૭-૨૦૨૮માં તે બિલકુલ શૂન્ય રહેશે.
જ્યારે ઇમિગ્રેશન મંજૂરી આગામી બે મહિનામાં મળવાની અપેક્ષા છે




