હિંમતનગરના કપોડા ગામે કામધેનુ યુનિવર્સિટી દ્રારા ઊંટ રોગનિદાન અને સારવાર કેમ્પ યોજાયો

હિંમતનગરના કપોડા ગામે કામધેનુ યુનિવર્સિટી દ્રારા ઊંટ રોગનિદાન અને સારવાર કેમ્પ યોજાયો
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર તથા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, રાજપુર (નવા) હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના કપોડા ગામે પશુ સારવાર સંકુલ દ્રારા ઊંટ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં પશુ સારવાર સંકુલના વિષય નિષ્ણાતો દ્રારા કુલ ૩૯ ઊંટોની પ્રાથમિક રોગ તપાસ તેમજ રોગીષ્ટ પશુની સારવાર કરવામાં આવી હતી. આ રોગનિદાન તેમજ સારવાર કેમ્પમાં મુખ્યત્વે ઊંટોમાં થતા ચામડીના રોગો, પોષણની ખામી, ચકરી તેમજ ઘા જેવા વિવિધ રોગોની સારવાર કરવામાં આવી હતી.
તેમજ ઊંટોના લોહી, ત્વચા, વાળ અને મળ-મૂત્રના નમૂનાઓ પેથોલોજી તેમજ માઈક્રોબાયોલોજી વિભાગના વિષય નિષ્ણાતો દ્રારા પ્રયોગશાળામાં વિશેષ તપાસ અર્થે એકત્રિત કરવામાં આવ્યા હતાં. આ કેમ્પમાં કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના ડૉ. એમ એમ. ત્રિવેદી (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી) ડૉ. જે. એસ. પટેલ (સહવિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી) તેમજ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, રાજપુર (નવા) હિંમતનગરના વરિષ્ટ પ્રાધ્યાપક ડૉ. લલીત સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી દ્રારા ઊંટપાલકોને આહાર અને માવજત સંબધી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું. તેમજ તેમને મુઝવતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ઊંટપાલકો દ્રારા જણાવવામાં આવ્યું હતું કે પશુ સારવાર સંકુલ દ્વારા ગતવર્ષે રાખેલ કેમ્પની સરખામણીએ ચાલુ વર્ષે ઊંટના રોગપ્રમાણમાં ઘટાડો નોધાયેલ છે. જે અગાઉના કેમ્પની સફળતા દર્શાવે છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન કામધેનુ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી, ડૉ. પી. એચ. ટાંકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું.
જયંતિ પરમાર સાબરકાંઠા





